(એજન્સી)
નવી દિલ્હી,તા.ર૦
એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે અને આરોપ મુકયો છે કે, સરકારે ગુરૂવારે નાસિકના બજારમાં ડુંગળી લાવવાની પરવાનગી ન આપી, કારણ કે અહીં પી.એમ. મોદીએ એક રેલીનું સંબોધન કર્યું હતું. પવારે કહ્યું કે અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે, લોકો પીએમ મોદીના કાફલા પર ડુંગળી ફેંકી શકે છે. પવાર મુજબ, લોકો સરકારના એ નિર્ણયથી નારાજ છે, જેમાં સરકારે પાકિસ્તાનમાંથી ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ માટે ગુરૂવારે પરભીનીમાં એક જનસભાને સંબોધન કરતા શરદ પવારે આ વાત કહી. અર્થ વ્યવસ્થામાં મંદીના મુદ્દે સરકારને ઘેરતા, શરદ પવારે કહ્યું કે, દેશમાં મંદીનો માહોલ છે અને જો મંદી યથાવત રહેશે તો અર્થ વ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એનસીપી પ્રમુખે જનસભા બાદ એક ટવીટમાં પણ મોદી સરકાર પર આર્થિક મંદી અંગે નિશાન તાકયું છે. પવારે કહ્યું કે પીએમ મોદી દેશમાં શરૂ થનારી નવી ફેકટરીઓની વાત કરે છે, પરંતુ તેને બદલે તેમણે એ જણાવવું જોઈએ કે, કેટલી ફેકટરીઓ બંધ થઈ છે હિંગોલીની એક અન્ય જનસભામાં પ્રાદેશિકતાનો એક મુદ્દો ઉઠાવતા પવારે કહ્યું કે, એક સમયે મુંબઈ દુનિયાનું સૌથી મોટું ટેકસટાઈલ હબ હતું. અહીં ૧ર૦ ટેકસ ટાઈલની મિલો હતી, જેમાં ૪ લાખ કર્મચારીઓ કામ કરતા હતા. હવે તે સ્થળો પર ૩૦-૪૦ માળની ઈમારતો જોવા મળે છે, જયાં મને મરાઠી માણસો જોવા નથી મળતા અને આ સંપતિ હવે અન્ય લોકોના હાથમાં છે.
આ ઉપરાંત પવારે ખેડૂતોના મુદ્દા પર પણ મોદી સરકારને ઘેરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં ૧૬,૦૦૦ ખેડૂતો આત્મહત્યા કરી ચૂકયા છે. સરકાર કંપનીઓની લોન માફ કરી રહી છે, પરંતુ ખેડૂતોની નહીં. કંપનીઓ રોજગારી આપે છે, પરંતુ જે આપણને ભોજન આપે છે, તેની લોનને માફ કરવામાં નથી આવી રહી. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગુરૂવારે નાસિકમાં પી.એમ. મોદીની રેલી યોજાઈ હતી, જેમાં તેમણે શરદ પવાર અને અન્ય વિપક્ષી પક્ષો પર નિશાન તાકયું હતું.