શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાના ગઠબંધનના નેતા તરીકે ચૂંટાઇ આવ્યા બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. શરદ પવારના આર્શીવાદ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનના નેતાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દરમિયાન, શરદ પવારે જણાવ્યું છે કે જનતાએ આપેલી જવાબદારી પુરી કરીશું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઇના શિવાજી પાર્કમાં શપથ સમારંભ પહેલી ડિસેમ્બરે રવિવારે પાંચ વાગે યોજાઇ શકે છે અને આ સમારંભમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના સીએમપદના શપથ લઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેનો શપથ સમારંભ ભવ્ય હશે અને આ સમારંભમાં ભારે સંખ્યામાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના સમર્થકોના ઉપસ્થિત રહેવાની સંભાવના છે. એનસીપીના જયંત પાટિલ અને કોંગ્રેસના બાલા સાહેબ થોરાટને ઉદ્ધવ ઠાકરેના નાયબ બનાવવામાં આવશે. દરમિયાન, આવતીકાલે બુધવારે સવારે ૮ વાગ્યાથી મહારાષ્ટ્ર વિધાનસભાના યોજાનારા ખાસ સત્રમાં પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવેલા ભાજપના નેતા કાલીદાસ કોલંબર નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાશે.