(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના એનસીપીના સમકક્ષ શરદ પવાર મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધનની ચર્ચા કરવા આજે બેઠક કરશે. મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર માટે કોમન મિનિમમ પ્રોગ્રામનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુરૂવારે ત્રણેય પક્ષોના નેતાઓની બેઠક બાદ આ મુલાકાત થશે. કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, બધી બાબતો કોંગ્રેસ એકલી નક્કી ના કરી શકે. એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી ૧૭મી નવેમ્બરે બેઠક કરશે અને આગળના પગલાંની ચર્ચા કરશે. તેઓ નક્કી કરશે કે આ મુશ્કેલીને કઇ રીતે ઉકેલવી. તે બાદ જ કોઇ બીજા પગલાં લેવાશે. તેમણે ઉમેર્યું કે, એક વખત તેઓ બેસીને ચર્ચા કરે ત્યાર બાદ જ કોઇ રાજકીય વ્યૂહરચના તૈયાર થાય. આ પહેલા એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સત્તામાં આવશે તો પાંચ વર્ષ સુધી શાસન કરશે. પવારે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ગઠબંધન સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે અને મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીની કોઇ શક્યતા નથી. શરદ પવારે એમ પણ જણાવ્યું હતું કે, ગઠબંધન સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામના આધારે જ ચાલશે. પક્ષોના પ્રમુખો સોનિયા ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મુસદ્દા કરાર પર અંતિમ નિર્ણય કરશે.