(એજન્સી) મુંબઈ, તા.પ
રાકાંપા પ્રમુખ શરદ પવારે આજે કહ્યું કે, તાજેતરની પેટાચૂંટણીઓમાં ભાજપનું ખરાબ પ્રદર્શન એ કોઈ નાની વાત નથી. તેમણે ભગવા દળની વિરૂદ્ધ વિપક્ષને એક મંચ પર આવવાનું આહ્‌વાન કર્યું અને કહ્યું કે તેઓ તેમાં એકજૂટતાના સૂત્રધારની ભૂમિકા નિભાવવા તૈયાર છે. તેમણે કહ્યું કે, દેશમાં ૧૯૭૭ જેવી પરિસ્થિતિ છે જ્યારે વિપક્ષી દળોના ગઠબંધને ઈન્દિરા ગાંધીને સત્તામાંથી હાંકી કાઢ્યા હતા. પવારે કહ્યું, મોટાભાગની પેટાચૂંટણીના પરિણામ સત્તારૂઢ પક્ષની (ભાજપ) વિરૂદ્ધ ગયા. આ કોઈ નાની વાત નથી.
તેમણે આ વાત ભંડારા-ગોંદિયાથી પોતાના પક્ષના નવનિયુક્ત સાંસદ મધુકર કુકડે સાથેની મુલાકાત બાદ કહી. પવારે અહીં સંવાદદાતાઓને કહ્યું, ભૂતકાળમાં એવા પ્રસંગો બન્યા છે જ્યારે પેટાચૂંટણીઓમાં મળેલી હારનું પરિણામ તે સમયની વર્તમાન સરકારની હાર સ્વરૂપે બહાર આવ્યું. તેમણે ૧૯૭૭ને પણ યાદ કર્યુ, જ્યારે વિપક્ષી એકતાનું પરિણામ ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારની હાર સ્વરૂપે બહાર આવ્યું હતું અને કહ્યું કે તે પ્રકારની પરિસ્થિતિઓ જ અત્યારે ઊભી થઈ રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું લોકશાહીમાં વિશ્વાસ ધરાવનાર અને ભાગીદારીવાળા ન્યૂનતમ કાર્યક્રમ યોજનાર ભાજપા વિરોધી દળોએ લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવી જોઈએ અને એક મંચ પર આગળ આવવું જોઈએ.
તેમણે કહ્યું કે, રાજ્યોમાં મજબૂતી ધરાવનાર દળો (જેવા કે કેરળમાં વામ, કર્ણાટકમાં જેડીએસ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, આંધ્રપ્રદેશમાં તૈદપા, તેલંગાણામાં ટીઆરએસ, પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને મહારાષ્ટ્રમાં રાકાંપા)ને એક સામાન્ય સહમતિ મેળવવાની જરૂરિયાાત છે.