(એજન્સી) પટણા, તા. ૧૩
જેડીયુના સીનિયર નેતા શરદ યાદવે અસલી જેડીયુનો દાવો માંડવા કમર કસી હોવાનું જાણવા મળ્યું છે. શરદ યાદવે ૧૪ રાજ્ય એકમોના ટેકાના સમર્થનના દાવા સાથે શરદ યાદવે સાચી પાર્ટી તરીકે રજૂ થવાની તૈયારી કરી છે. શરદ યાદવની આગેવાની વાળા જૂથ કે જેમાં બે રાજ્યસભા સાંસદો અને કેટલાક રાષ્ટ્રીય પદાધિકારીઓનો સમાવેશ થાય છે, એવો દાવો કર્યો છે કે અમારી પાસે ૧૪ રાજ્ય એકમના અધ્યક્ષનો ટેકો છે. શરદ યાદવના નજીકના સાથી અરૂણ શ્રીવાસ્તવે એવું કહ્યું કે તાજેતરમાં નીતિશ કુમારે શરદ યાદવને રાજ્યસભામાંના પાર્ટી નેતા તરીકે દૂર કર્યાં હતા. જેડીયુ ફક્ત બિહારમાં માન્ય છે તેવા નીતિશના દાવાનો પ્રતિકાર કરવા શરદ છાવણીએ એવો દાવો કર્યો અમારી પાસે રાષ્ટ્રીય ઓળખ છે. તેમણે કહ્યું કે નીતિશ પહેલા પાર્ટીનું સંચાલન કરવા શરદ યાદવે તેમની સમતા પાર્ટીનું જેડીયુમાં વિલય કર્યો હતો. તેમણે કહ્યું કે અમે પાર્ટી છોડીશું નહી. ખુદ નીતિશ કુમાર કહી રહ્યાં છે કે રાજ્ય બહાર પાર્ટીનું અસ્તિત્વ નથી. તેમણે બિહાર માટે નવી પાર્ટીની રચના કરવી જોઈએ. જેની રાષ્ટ્રીય સ્તરે ઉપસ્થિતિ છે. જનતા પરિવારમાં વિવિધ પાર્ટીઓ સામેલ છે જે બીજી પાર્ટીઓમાં વિલય કે છેડો ફાડવા માટે જાણીતી છે. શરદ યાદવને જેડીયુમાંથી ઓછું સમર્થન મળી રહ્યું છે પરંતુ તેઓ પાર્ટીમાં ભંગાણ સર્જી શકે છે. નીતિશ સાથેની શરદની લડાઈમાં બે રાજ્યસભા સાંસદો અલી અનવર અને એમપી વિરેન્દ્ર તેમની પડખે ઊભા છે. જેડીયુએ પાર્ટી નેતા તરીકે શરદ યાદવની હકાલપટ્ટી કરી છે. આ પહેલા જેડીયુએ એક મોટો દાવ ખેલીને શરદ યાદવને રાજ્યસભા સાંસદ પદેથી હકાલપટ્ટી કરી નાખી હતી અને તેમને સ્થાને આરસીપી સિંહને રાજ્યસભામાં નવા નેતા બનાવ્યાં હતા. એક જમાનામાં શરદ યાદવ એનડીએના સંયોજક હતા. પરંતુ તેમણે ભાજપ સાથેના ગઠબંધનનો પૂરો વિરોધ કર્યો હતો. શરદ યાદવને રાજ્યસભા નેતા તરીકે હટાવવામાં આવ્યાં છે અને ટૂંક સમયમાં તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. ભાજપ સાથેના ગઠબંધનનો વિરોધ કરવા બદલ પાર્ટી નેતા પદેથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.