(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
જનતાદળયુના વરિષ્ઠ નેતા શરદ યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના ભાજપ સાથેના જોડાણનો વિરોધ કરી આંતરિક બળવો કર્યો છે. રાજસભાના સભ્ય અને ૧૯૭૪માં રાજકારણમાં પ્રવેશેલા વરિષ્ઠ નેતા શરદ યાદવે કહ્યું કે તેઓ નીતિશકુમારના કોમવાદી પરિબળો સાથે જોડાવાના નિર્ણયનો વિરોધ કરે છે. સૂત્રોએ કહ્યું કે ગુરૂવારે રાત્રે નાણાપ્રધાન અરૂણ જેટલી શરદ યાદવને મનાવવા તેમના ઘરે ગયા હતા અને તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં મહત્ત્વનું ખાતું આપી મંત્રી પરિષદમાં જોડાવા માટે દરખાસ્ત મૂકી હતી. જેનો શરદ યાદવે ઈન્કાર કરી આ દરખાસ્તને ફગાવી દીધી હતી. તેમણે જેટલીને એવું કહ્યું હોવાનું મનાય છે કે, તેઓને કેન્દ્રીય મંત્રી બનવામાં રસ નથી. તેઓ ભાજપનો કેન્દ્ર અને બિહારમાં વિરોધ ચાલુ રાખશે. યાદવ વિધિસર રીતે આ બાબતે નિવેદન કરશે. શુક્રવારે નીતિશ સરકારે વિશ્વાસનો મત મેળવ્યો હતો. સરકારને ૧૩૧ અને વિરોધમાં ૧૦૮ મત પડ્યા હતા. જેમાં રાજદના ૮૦, કોંગ્રેસના ર૭, ડાબેરીના ૩ અને ૧ અપક્ષે વિરોધમાં મતદાન કર્યું હતું જ્યારે નીતિશકુમારને જદયુના ૭૧, એનડીએના પ૮ તેમજ ર અપક્ષોના મત મળ્યા હતા. જુલાઈમાં શરદ યાદવનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થાય છે. નવી ટર્મ પાસે શરદ યાદવની પસંદગી થઈ હતી. પરંતુ હવે શરદ યાદવે નીતિશકુમાર વિરૂદ્ધ વલણ બદલાતાં જદયુના ધારાસભ્યોના મત કેવી રીતે મળશે તે જોવાનું છે.