હેમિલ્ટન,તા.૩૧
ટ્રેન્ટ બોલ્ટ (૧૦ ઓવર, ૪ મેડન, ૨૧ રન, ૫ વિકેટ) અને કાર્લન ડી ગ્રેંડહોમ (૧૦ ઓવર, ૨ મેડન, ૨૬ રન, ૩ વિકેટ)ની ઘાતક બોલીંગના કારણે ન્યૂઝીલેન્ડેપાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી મેચમાં પહેલીવાર જીતનો સ્વાદ ચાખ્યો છે. ન્યૂઝીલેન્ડે હેમિલ્ટનમાં રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઇન્ડિયાને ૮ વિકેટે ધૂળ ચટાડી છે. આ સાથે જ કીવી ટીમે પાંચ મેચની સીરીઝનું અંતર ૧-૩ કરી દીધું છે. સીરીઝની છેલ્લી અને પાંચમી મેચ રવિવારે વેલિંગટનમાં રમાશે.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને ૯૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે તેનો ન્યૂઝિલેન્ડ સામેનો સૌથી ઓછો સ્કોર છે. ટીમ ઈન્ડિયાના ચાર બેટ્‌સમેનો જ ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ટીમ ઈન્ડિયા વતી યુઝવેન્દ્ર ચહલે સર્વાધિક અણનમ ૧૮ રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી બોલ્ટે ૫, ગ્રાન્ડહોમે ૩ તથા નિશામ અને એસ્ટલે ૧-૧ વિકેટ લીધી હતી.૯૩ રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો ભુવનેશ્વર કુમારે આપ્યો. તેણે માર્ટિન (૧૪)ને હાર્કિદ પંડ્યાના હાથે કેચ કરાવ્યો. તે બાદ ભુવીએ કીવી કેપ્ટન કેન વિલિયમસન (૧૧)ને વિકેટકીપર કાર્તિકના હાથે કેચ આઉટ કરાવીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. હેનરીએ ૪૨ બોલમાં ૩૦ રન જ્યારે રોસ ટેલરે ૨૫ બોલમાં ૩૭ રનની નોટ આઉટ ઈનિંગ રમીને ન્યુઝીલેન્ડને જીત અપાવી હતી. ન્યુઝીલેન્ડે માત્ર ૧૪.૪ ઓવરમાં ૯૩ રન બનાવી જીત પોતાના નામે કરી હતી.ભારતની વાત કરીએ તો, સૌથી વધુ રન યજુવેન્દ્ર ચહલે (૧૮ રન) માર્યા હતા. જ્યારે, હાર્દિક પંડ્યા (૧૬ રન), કુલદીપ યાદવ (૧૫ રન), શિખર ધવન (૧૩ રન), શુભમન ગિલ (૯ રન), રોહિત શર્મા (૭ રન), ખલીલ એહમદ (૫ રન) તેમજ કેદાર જાધવ અને કુલદીપ યાદવે ૧-૧ રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂ અને દિનેશ કાર્તિક ૦ રન પર આઉટ થયા હતા.

ભારતીય ટીમના અત્યાર સુધીના સૌથી લો વનડે સ્કોર
રન ઓવર વિરોધી ટીમ તારીખ
૫૪ ૨૬.૩ શ્રીલંકા ૨૯ ઓક્ટોબર ૨૦૦૦
૬૩ ૨૫.૫ ઓસ્ટ્રેલિયા ૮ જાન્યુઆરી ૧૯૮૧
૭૮ ૨૪.૧ શ્રીલંકા ૨૪ ડિસેમ્બર ૧૯૮૬
૭૯ ૩૪.૨ પાકિસ્તાન ૧૩ ઓક્ટોબર ૧૯૭૮
૮૮ ૨૯.૩ ન્યૂઝીલેન્ડ ૧૦ ઓગસ્ટ ૨૦૧૦
૯૧ ૨૯.૧ સાઉથ આફ્રિકા ૨૨ નવેમ્બર ૨૦૦૬