(એજન્સી) ચેન્નાઈ, તા.ર૭
કોઈમ્બતુરની સમાચાર વેબસાઈટના એડિટર-ઈન-ચીફે ફરિયાદ કરી છે કે, જ્યારથી તેઓ મદુરાઈના એક ગામની એક વિચિત્ર પ્રથાને સૌની સમક્ષ લાવ્યા છે ત્યારથી તેમને ધમકીઓ મળી રહી છે. આ પ્રથામાં સગીરાઓ અને યુવતીઓને મંદિરના પૂજારીની દેખરેખ હેઠળ અર્ધનગ્ન અવસ્થામાં રહેવાની ફરજ પાડવામાં આવી છે. પરંપરાના નામે દેશમાં યુવતીઓ, મહિલાઓનું શોષણ કરવામાં આવે છે. તેમના પર અત્યાચાર ગુજારવામાં આવે છે પરંતુ તેઓ મૌન રહે છે. તમિલનાડુના મદુરાઈ સ્થિત મંદિરની આવી જ તસવીરો સામે આવી છે. પરંપરાના નામે અહીં દરવર્ષે યુવતીઓને બે અઠવાડિયા સુધી અર્ધનગ્ન અવસ્થામાં રાખવામાં આવે છે. તાજેતરમાં જ અહીં સાત યુવતીઓને અર્ધનગ્ન અવસ્થામાં રાખવામાં આવી હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ કલેક્ટરે યુવતીઓને સંપૂર્ણ રીતે શરીર ઢાંકવાનો આદેશ આપ્યો. આ સાથે જ તેમણે તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું કે, આ દરમિયાન તેમની સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય. મદુરાઈના મંદિરમાં યુવતીઓ ૧પ દિવસથી અર્ધનગ્ન અવસ્થામાં હતી. તેમણે દેવીની જેમ શણગાર કર્યો હતો અને શરીરનો ઉપલો ભાગ નિર્વસ્ત્ર હતો. તેમણે ફક્ત કેટલાક આભૂષણ ધારણ કર્યા હતા. આ દરમિયાન તેઓ મંદિરના પૂજારીની દેખરેખ હેઠળ હતી. મદુરાઈના કલેક્ટર કે.વીરા રાધવ રાવે જણાવ્યું કે, આ પરંપરા ઘણી જૂની છે. આ માટે પરિવારજનો જ યુવતીઓને મોકલે છે. પછીથી આ યુવતીઓને કપડાં પહેરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી આ અવસ્થામાં તેમની સાથે કોઈ છેડતી ન થાય. તેમણે વધુમાં જણાવ્યું કે, અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા માટે ગઈ હતી. પરંતુ મંદિરમાં કોઈની સાથે કોઈ દુર્વ્યવહારની વાત સામે આવી નથી. સાથે જ કલેક્ટરે આદેશ આપ્યો છે કે, પરંપરા દરમિયાન યુવતીઓને સંપૂર્ણ રીતે ઢાંકવામાં આવે. આ વિસ્તારના ૬૦થી વધુ ગામો આ પરંપરામાં જોડાય છે. જેમાં કિશોરીઓને દેવીની જેમ પૂજવામાં આવે છે.