(એજન્સી) શ્રીનગર, તા. ૮
જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજીમાં એક પ્રવાસીનું મોત થતા સનસનાટી મચી ગઇ છે. આ પ્રવાસી ચેન્નાઇનો રહેવાસી હતો. પથ્થરબાજીમાં માથામાં પથ્થર વાગવાને કારણે તેનું મોત થયું હતું. શ્રીનગર શહેર બહાર ચાલી રહેલા દેખાવો દરમિયાન થયેલા પથ્થરમારામાં આ પ્રાવસી શિકાર બન્યો હતો. પોલીસ અનુસાર ચેન્નાઇનો ૨૨ વર્ષનો આર. થિરૂમની ગુલમર્ગથી પોતાના રિસોર્ટમાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેની કાર પર હુમલાને કારણે પથ્થરમારાનો શિકાર બન્યો હતો. રવિવારે આ ઘટના બન્યા બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે મંગળવારે મોતને ભેટ્યો હતો. મંગળવારે સાંજે તેનો મૃતદેહ ચેન્નાઇના એરપોર્ટ પર પહોંચાડી દેવામાં આવ્યો હતો. બીજી તરફ પથ્થરબાજીને પગલે પોલીસ ફાયરિંગમાં એક ૧૭ વર્ષનાકિશોરને ગોળી વાગતા તેની હાલત ગંભીર છે અને આ ઘટના બાદ થયેલી વિવિધ અથડામણમાં નાગરિકોનો કુલ મૃતાંક ૬ થયો છે. પોલીસ અનુસાર જે સ્થળે પથ્થરબાજી થઇ રહી હતી ત્યાં ઘણા વાહનો પથ્થરમારાનો શિકાર બન્યા હતા. યુવા પર્યટકને ઇજા થયા બાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પર્યટકો માટે સુરક્ષાદળો તૈનાત રહે છે પરંતુ અહીં પથ્થરમારો થઇ રહ્યો હતો. કેટલાક પથ્થરો તેમની ટાવેરા ગાડી પર વાગ્યા હતા જેમાંથી એક પથ્થર તેના માથામાં વાગ્યો હતો. આ પહેલા પણ આ વર્ષે પ્રવાસી પર પથ્થરમારાની ઘટનાઓ બની ચૂકી છે પરંતુ પહેલીવાર તેને કારણે મોત થયું છે. ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ ઘાયલ થયેલા પ્રવાસીની મુલાકાતે ગયા હતા પરંતુ તે પહોંચે તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો. તેમણે પ્રવાસીના પરિવાજનો સાથે મુલાકાત કરી તેમની માફી માગી હતી. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે દુઃખ નવ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચેન્નાઇનો એ યુવા મારા વિધાનસભા ક્ષેત્રમાં મોતને ભેટ્યો છે. જ્યારે હું પથ્થરબાજોનું સમર્થન કરતો નથી. મને દુઃખ છે કે, આ મારા ક્ષેત્રમાં બન્યું છે.