(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
સુપ્રીમ કોર્ટે ફટાકડાઓના વેચાણ ઉપર દેશભરમાં પ્રતિબંધ મૂકવા ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કડક શરતો સાથે ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે જેથી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. કોર્ટે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવા મંજૂરી આપી છે એ સાથે ઓનલાઈન વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાઓનું વેચાણ ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ જ કરી શકશે. પ્રદૂષણ ઉપર નિયંત્રણ લાદવા માટે ફટાકડાઓ ઉપર પ્રતિબંધ મૂકવા માગણી કરતી અરજી દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ર૮મી ઓગસ્ટે હવામાં પ્રદૂષણ વધવાથી એને નિયંત્રિત કરવા સમગ્ર દેશમાં ફટાકડા ઉપર પ્રતિબંધની માગણી કરતી અરજી બાબત ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે અરજદારો, ફટાકડાના ઉત્પાદકો અને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડની દલીલો સાંભળી હતી. કોર્ટે કહ્યું સ્વાસ્થ્યના અધિકાર અને વેપાર અને વ્યવસાય કરવાના અધિકાર વચ્ચે સમતોલન રાખવું અનિવાર્ય છે. ફટાકડા ઉત્પાદન કરનારાઓએ દલીલ કરી હતી કે પ્રદૂષણ વધારવા માટે ફક્ત ફટાકડાઓ જ એક માત્ર કારણ નથી. આ એક કારક છે પણ આના આધારે સંપૂર્ણ ઉદ્યોગને બંધ કરી શકાય નહીં. કોર્ટમાં સુનાવણી દરમિયાન વાયુ પ્રદૂષણના લીધે બાળકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે એના લીધે કોર્ટે ચિંતા દર્શાવી હતી અને માગણી કરાઈ હતી કે ફટાકડાઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય પણ કોર્ટે શરતો સાથે ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. ગયા વર્ષે દિવાળીમાં દિલ્હીમાં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકાયો હતો જેની કોઈ અસર થઈ ન હતી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું છે કે ફક્ત ઓછું પ્રદૂષણ ફેલાવે એ પ્રકારના જ ફટાકડા ફોડવા. એ સાથે નવા વર્ષે રાત્રે ૧૧.પપથી ૧ર.૩૦ સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે.