અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરના ગરીબ-મધ્યમ વર્ગના લોકો માટેની વીએસ હોસ્પિટલની જગ્યાએ નવી એસવીપી હોસ્પિટલ શરૂ કર્યા બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી વર્ષો જૂની શારદાબેન હોસ્પિટલને તોડી કરોડોના ખર્ચે દસ માળની નવી અદ્યતન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યું છે.
આગામી બે વર્ષમાં આ નવી હોસ્પિટલ તૈયાર થઇ જશે. નોંધનીય વાત એ છે કે, નવી શારદાબહેન હોસ્પિટલમાં દર્દીઓને એસવીપી જેવા ચાર્જ ચૂકવવા નહીં પડે અને ફ્રીમાં સારવાર સુવિધા મળે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. વીએસ હોસ્પિટલ નામશેષ થયા બાદ હવે શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પૂર્વ વિસ્તારમાં આવેલી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં સારવાર માટે જાય છે. ખાસ કરી પૂર્વ વિસ્તારમાં રહેતા લોકોને ફ્રીમાં સારી અને આધુનિક સારવાર મળે તે માટે સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલને દસ માળની નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફેરવવામાં આવશે. આ અંગે મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારના લોકોને વધુ સારી સુવિધા વાળી હોસ્પટલ મળે તે માટે ૭૦ વર્ષ જૂની શારદાબેન હોસ્પિટલની બિલ્ડીંગને તોડી ત્યાં ૧૦ માળની નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. આગામી ૩૦ વર્ષ સુધી શહેરીજનોને ફ્રીમાં સારી આધુનિક સુવિધાઓ સાથેની સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ વિસ્તારમાં હાલમાં નવી હોસ્પિટલ બનાવવા માટે વર્ક ઓર્ડર અપાઈ ગયા છે. અમ્યુકો સંચાલિત હોસ્પિટલો નવી અને અદ્યતન બનાવવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલો જેવી હાઇટેક અને અસરકારક સારવાર આપવાનો તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.