(એજન્સી) મુંબઈ, તા.૯
ત્રણ તલાક મુદ્દે મુસ્લિમ પુરૂષોને કાયદાકીય શિક્ષાના દાયરામાં લાવવાની સરકારની મેલી મુરાદ વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ સમાજના નેતાઓ અને અગ્રણીઓને અનુરોધ કર્યો હતો કે, શરિયત કાયદા મહિલા વિરોધી હોવાના ખોટા સામાજિક પ્રચારને ડામવા એક ઝુંબેશ ચલાવવામાં આવે.
મુસ્લિમ વુમન (પ્રોટેક્શન ઓફ રાઈટ્‌સ ઓન મેરેજ) બિલ ર૦૧૭ અંગે ચર્ચા કરવા અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં બોર્ડે સમાજના નેતાઓને આગ્રહ કર્યો હતો કે, મુસ્લિમ પર્સનલ લો અંગે લોકોમાં સાચી જાણકારી પ્રવર્તે તે માટે એક ‘ઓપન કોમ્યુનિકેશન ચેનલ્સ’ની મુહિમ ચલાવવામાં આવે.
બોર્ડનું માનવું છે કે, આ પ્રકારની ઝુંબેશથી સરકારને આ બિલમાં સુધારા કરવાની ફરજ પડશે. બોર્ડના સભ્ય મૌલાના ખલીલુર રહેમાન સજ્જાદ નૌમાનીએ જણાવ્યું હતું કે, સરકાર ભાગલાવાદી માનસિકતા હેઠળ આ બિલ લાવી છે. મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણનો સરકારનો કોઈ ઈરાદો નથી. આ મુદ્દાને હિન્દુ-મુસ્લિમ સાથે સાંકળીને ન જોવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ પુરૂષોને પણ એક સાથે ત્રણ તલાક આપવા અંગે અટકાવવા જોઈએ અને આ અંગે તેમનામાં શરિયત મુજબની જાગૃતિ લાવવી જોઈએ. એક સાથે ત્રણ તલાક અંગે એક મોટી ઝુંબેશ હાથ ધરવાની જરૂર છે.
આ સાથે બોર્ડના સભ્યોએ સૂચન કર્યું હતું કે, લગ્ન વિવાદોને કોર્ટ અથવા પોલીસ સુધી ઢસડી જવાના બદલે સમાજના વડીલો દ્વારા જ તેનો ઉકેલ શોધવાનું ચલણ પ્રચલિત બનાવવું જોઈએ. સિવિલ સમસ્યાઓ ઉકેલવા માટે મુસ્લિમ સમાજમાં કાઉન્સિલીંગ સેન્ટર્સ ખોલવા જોઈએ, હેલ્પલાઈન શરૂ કરી ‘દારૂલ કઝા’ની વધુથી વધુ સ્થાપના કરવી જોઈએ.
બોર્ડના સભ્યોએ જણાવ્યું હતું કે, ત્રણ કાયદા બિલમાં ઘણી ખામીઓ છે આથી ખામીઓ દૂર થવી જ જોઈએ.