(એજન્સી) કોચી, તા. ૧૬
રિઅલ્ટી માર્કેટમાં હાલમાં મંદી છે ત્યારે કેરળ સ્થિત એક બિલ્ડર શરિયત મુજબના એપાર્ટમેન્ટ બનાવવા આતુર છે. બિલ્ડરનો ઉદ્દેશ મની પાવરમાં માનતા ચુસ્તપણે ધાર્મિક મુસ્લિમો માટે તેમની ધાર્મિક માન્યતાઓ મુજબ રૂમ બનાવવાનો છે. પશ્ચિમ કોચીમાં આવા ઊંચા એપાર્ટમેન્ટ્‌સ બનાવવામાં આવશે. જો આમાં સફળતા મળશે તો બિલ્ડરની રાજ્યમાં અને રાજ્ય બહાર અન્ય સ્થળોએ પણ આવા એપાર્ટમેન્ટ બનાવવાની યોજના છે. દેશમાં પહેલી વાર શરિયત મુજબના એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે.
આવા એપાર્ટમેન્ટમાં બારણા મક્કા તરફ હશે અને વોશરૂમ શરિયતમાં જણાવ્યા મુજબ હશે. ઘરની દીવાલ પર નમાઝનો સમય બતાવતી ઘડિયાળો લગાવવામાં આવશે. ઘરની બનાવટ એવી હશે કે નજીકમાં આવેલી મસ્જિદની અઝાન બધા એપાર્ટમેન્ટ્‌સમાં સ્પષ્ટપણે સાંભળી શકાશે. એટલું જ નહીં, અલગ વઝુખાના કે વઝુ કરવા અને સ્નાન કરવાની જગ્યા, તેમ જ ટોયલેટની જગ્યા અલગ-અલગ હશે. વઝુ કરવા માટે ટોયલેટમાં અલગ કુંડું હશે. એટલું જ નહી,ં મુસ્લિમો માટેની અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખીને આ એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. આવી જગ્યાએ સમાન માન્યતા કે આસ્થાવાળા લોકો પોતાની ખાવાની ટેવ અને પોષાક અંગેની બાબતો પણ શેર કરી શકશે. તેઓ કોણ છે અને શું ખાય છે ? તેની કોઇ ટીકા કરશે નહીં. મેડિકલ પ્રોફેશનલ ડો.ફાતિમા નિલોફરે કોચીમાં ભાડા પર એક એપાર્ટમેન્ટ લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પડેલી મુશ્કેલીઓની તેમણે વર્ણન કર્યું હતું. આ સ્વાભાવિક છે કે લોકોને લાગવું જોઇએ કે તેમનો આદર કરાય છે. આ યોજનાના ટીકાકારોએ જણાવ્યું કે આવા પ્રોજેક્ટ્‌સ હાઉસિંગ ભેદભાવને પ્રોત્સાહન આપી શકે છે. ધર્મ અને જાતિને આધારે સમાજ પહેલાંથી જ અલગ થયેલો છે. આવા પગલાંથી સામાજિક માળખું વધુ નબળું થઇ શકે છે. એમ એડવોકેટ જેકબ મેથિવ મનાલિલે જણાવ્યું છે.