(એજન્સી) ઉત્તરપ્રદેશ, તા.રર
ઉત્તરપ્રદેશના દેવબંદ સ્થિત મુસ્લિમ શિક્ષણ સંસ્થાન દારૂલ ઉલૂમે કહ્યું કે ત્રણ તલાકનો મુદ્દો કુર્આન શરીફ અને હદીષથી જોડાયેલો છે. શરિયતમાં કોઈપણ પ્રકારની દખલગીરી સહન કરવામાં નહીં આવે. દારૂલ ઉલૂમના મુજબ, આ મામલે મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો જે નિર્ણય હશે તેઓ એમની સાથે છે. મેરઠના શહેર કાજીએ કહ્યું કે કુર્આન શરીફ અને હદીષને લઈ અલગથી કોઈ કાયદાઓ ન બનવા જોઈએ. ત્યાં જ દારૂલ ઉલૂમ દેવબંદના કાજીએ કહ્યું કે, આ મામલે તેઓ પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સાથે છે. બોર્ડ જે નિર્ણય કરશે દારૂલ ઉલૂમ તેમનો સમર્થન કરશે. શહર કાજી પ્રોફેસર જૈનુસ સાજિદ્દીન સિદ્દીકીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સંસદમાં કાયદાઓ બનાવવા કહ્યું છે. દેશભરમાં ઉલેમાઓનો આ પ્રયાસ જારી રહેશે કે એવો કોઈ કાયદો ન બને જે કુર્આન અને હદીષની રોશનીમાં ન હોય. દારૂલ ઉલૂમ દેવબંદના મૌલાના મુફ્તી અબુલ કાસમી નૌમાનીના હવાલાથી પ્રવક્તા અશરફ ઉસ્માનીએ કહ્યું કે હમણાં સુધી દારૂલ ઉલૂમ પાસે સુપ્રીમ કોર્ટના નિર્ણયની કોઈ કોપી આવી નથી જેથી આ મામલે કંઈપણ બોલવું ન્યાય નથી.