હૈદરાબાદ, તા. ૮
તેલંગાણામાં જાણીતી ધાર્મિક સંસ્થા અને સામાજિક મુસ્લિમ સંગઠન શરિયા ફૈસલા બોર્ડે જણાવ્યું હતું કે, ઇસ્લામ અંગે મુસ્લિમોને જાગૃતકરવા અમે અભિયાન ચલાવીશું અને આગામી દિવસોમાં મુસ્લિમ પર્સનલ લો વિશે જાણકારી આપીશું, સમાજના જે લોકો શરિયાનો વિરોધ કરી રહ્યા છે તેઓને બિન-મુસ્લિમ ગણવામાં આવશે. એક પત્રકાર પરિષધને સંબોધતા મુસ્લમ શાબ્બાન તેહરીકના અધ્યક્ષ મુસ્તાક મલિકે જણાવ્યું હતું કે, અમે હૈદરાબાદમાં આ કાર્યક્રમ શરૂ કરીશું અને બાદમાં સમગ્ર દક્ષિણ ભારતમાં ફેલાવીશું. સુપ્રીમ કોર્ટે અમારા ધર્મમાં દખલ આપવાના દરવાજા ખોલી દીધા છે.
મલિકે જણાવ્યું હતું કે, ઇસ્લામિક કાયદાશાસ્ત્ર અંગે મુસ્લિમોને સમજ આપવા માટે શરિયા ફૈસલા બોર્ડ હૈદરાબાદથી શરૂઆત કરી ઘરે-ઘરે જઇ અભિયાન ચલાવશે. જે લોકો વિરોધ કરશે, સવાલો ઉઠાવશે અને શરિયત અને ઇસ્લામને નથી માનતા તેઓને પણ અમે આ અંગે જણાવીશું. જો તેઓ તેેમ છતાં નહીં માને તો તેઓને ધર્મમાંથી બહાર ગણવામાં આવશે અને મુસ્લિમ તરીકેનો દરજ્જો નહીં મળે. તેલંગાણા ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના યુસુફ ઝાયેદ અને મલિક બંનેએ જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપ મુસ્લિમ પર્સનલ લોમાં દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સમાન નાગરિક ધારા માટે દબાણ કરવા તેમની પાસે આ એક જ માર્ગ છે તેમ મલિકે જણાવ્યું હતું.