માંગરોળ, તા.ર૧
માંગરોળથી વાલિયા જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર માંગરોળથી બે કિ.મી.ના અંતરે આ માર્ગ ઉપક કીમ નદી પસાર થાય છે. આ નદી ઉપર મેરાગામ નજીક બ્રિજ ઊભો કરવામાં આવ્યો છે.
આ બ્રિજને ઘણાં વર્ષો થયા હોય અગાઉ બ્રિજના ઉપરના ગાબડા પડ્યા હતા અને તે સમયે બ્રિજ ઉપર પડેલા ગાબડાનું સમારકામ કરાયું હતું. હવે હાલમાં આ બ્રિજના પાયામાં ગાબડા પડ્યા છે. હાલમાં ઉનાળાની મૌસમ ચાલી રહી છે ત્યારે નદીમાં પાણી ઓછું થતાં પાયામાં પડેલા ગાબડા નજરે પડ્યા છે. આ પ્રશ્ને થોડા સમય અગાઉ વર્તમાનપત્રમાં ધારદાર રજૂઆત કરાઈ હતી. આ રજૂઆતનો સાનુકૂળ પ્રત્યાઘાત પડ્યો છે. રજૂઆત બાદ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના અધિકારીઓએ ઘટના સ્થળે આવી બ્રિજના પાયાનું નિરીક્ષણ કર્યુ હતું. રજૂઆત સાચી હોય, માર્ગ અને મકાન વિભાગે તાબડતોડ આ બ્રિજના પાયામાં પડેલા ગાબડાનું સમારકામ શરૂ કરી દીધું છે. જો આ પાયાનું સમારકામ ન કરાત તો ચોમાસાની ઋતુમાં પાયામાં પડેલા ગાબડા વધુ મોટા થાત જેથી બ્રિજ ઉપરનો વાહનવ્યવહાર બંધ કરવાની નોબત આવત. જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજના સ્ટ્રકચરની ચકાસણી કરી, જરૂરી અહેવાલ માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરને મોકલવામાં આવનાર છે.