(એજન્સી) મુંબઇ, તા. ૯
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આગામી સપ્તાહે મુંબઇમાં પક્ષના કાર્યકરો સાથે સીધા સંવાદ કાયમ કરી શકે અને વિભિન્ન મુદ્દાઓ અંગે કાર્યકરોના અભિપ્રાય મેળવી શકે એવો એક પ્રોજેક્ટ શરૂ કરશે. રાહુલ ગાંધી ૧૨મી જૂને મુંબઇના પોતાના બહુપ્રતીક્ષિત પ્રવાસ દરમિયાન પાયાના સ્તરના પક્ષના કાર્યકરોને મળશે અને ‘શક્તિ’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવાના હોવાનું પક્ષના એક નેતાએ જણાવ્યું છે. આ એક અદ્વિતીય અને ખાસ પગલું છે.
મુંબઇ કોંગ્રેસના વડા સંજય નિરૂપમે એક નિવેદનમાં શનિવારે જણાવ્યું કે પક્ષનો પાયો બનાવનારા કોંગ્રેસના કાર્યકરો સાથે રાહુલ ગાંધી વાતચીત કરશે. તેમણે એવું પણ જણાવ્યું કે ‘શક્તિ’ પ્રોજેક્ટથી માત્ર પાયાના સ્તરના કાર્યકરો સાથે જોડાવામાં મદદ મળશે નહીં પરંતુ એ પણ સુનિશ્ચિત થઇ શકશે કે જો તેમની કોઇ ફરિયાદ છે તો તેનો પણ તાકીદે નિકાલ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી મુંબઇની સમસ્યાઓને સૂક્ષ્મ સ્તરે જોવામાં પણ મદદ મળશે. સંજય નિરૂપમે એવું પણ જણાવ્યું કે રાહુલજી પોતાના લોકો સાથે સતત સંપર્કમાં રહેવા માગે છે અને તેઓ એવું માને છે કે શક્તિ પ્રોજેક્ટ આ પ્રયાસમાં મદદરૂપ થશે. લોકસભાની આગામી ચૂંટણીઓ પહેલા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીઓમાં હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.
નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ પહેલનો હેતુ કોંગ્રેસમાં બે તરફી સંવાદ કોંગ્રેસના પાયાના કાર્યકરો અને પક્ષની કેન્દ્રીય નેતાગીરી વચ્ચે કાયમ કરવાનો છે. આ પ્રોજેક્ટ માટે પક્ષના કાર્યકરોની નોંધણી કરવામાં આવશે અને પક્ષના હોદ્દાદારો દ્વારા તેમને આપવામાં આવેલા ફોન નંબર પર એસએમએસ મોકલવાનો રહેશે. આ પ્રોજેક્ટથી આંતરિક રીતે સંવાદનો યોગ્ય પ્રવાહ સુનિશ્ચિત થઇ શકશે. તેનાથી પક્ષના કાર્યકરો કેન્દ્રીય નેતાગીરીને પોતાના વિચારો અને સૂચનોથી વાકેફ કરી શકશે. તેનાથી પક્ષના કાર્યકરોનું મનોબળ વધશે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવશે અને ૧૨મી જૂને મુંબઇમાં તેની શરૂઆત થશે. રાહુલ ગાંધી પોતાના મુંબઇ પ્રવાસ દરમિયાન પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરોને સંબોધન પણ કરશે.