(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે મોદી સરકારમાં દક્ષિણ ભારત સાથે સાવકો વ્યવહાર કરવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે મોદી સરકારને સત્તાથી દૂર કરવામાં દક્ષિણના રાજ્યો મહત્વની ભૂમિકા ભજવશે અને જોરદાર રીતે કોંગ્રેસનો સાથ આપશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોંગ્રેસ માટે દેશના બધા વર્ગ સમાન રીતે મહત્વના છે અને અમે દરેક વર્ગને સાથે લઇને ચાલીએ છીએ. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના કેરળના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણયે સંદેશ આપ્યો છે કે કોંગ્રેસના શાસન હેઠળ કેન્દ્રમાં દક્ષિણા રાજ્યોની ચિંતાઓ અને આકાંક્ષાઓને અવગણના કરવામાં આવશે નહીં. થરૂરે જણાવ્યું કે દક્ષિણના રાજ્યો દેશના રાજકીય ભાવિનો નિર્ણય કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને ખાસ કરીને વર્તમાન સરકારને બહાર કરવાના સંદર્ભમાં, વર્તમાન સરકારે દક્ષિણના રાજ્યો સાથે સાવકો વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપના છેલ્લા પાંચ વર્ષના શાસનમાં સહકારી સંઘવાદના વિચાર પર ચોમેરથી હુમલા કરવામાં આવ્યા, આ સંઘવાદે દેશના આઝાદીથી અત્યાર સુધી સંગઠિત રાખ્યો છે. શશી થરૂરે ભારપૂર્વક જણાવ્યું કે લોકસભાની ચૂંટણીઓ બાદ કેન્દ્રમાં ગઠબંધનની સરકાર બનશે અને રાહુલ ગાંધીમાં શ્રેષ્ઠ વડાપ્રધાન બનવાના બધા ગુણો છે.