(એજન્સી) મદુરાઈ, તા.૩
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે તામિલનાડુના મુખ્યમંત્રી ઈડાપડ્ડી પલાનીસામી અને અન્ય ચાર મંત્રીઓને નોટિસો પાઠવી છે. આ નોટિસો એક જાહેરહિત અરજી સંદર્ભે મોકલાઈ છે. અરજદાર એઆઈએડીએમકેનો કાર્યકર્તા છે. જેમણે આક્ષેપો કર્યા છે કે, શશીકલાની સૂચનાઓ મુજબ સરકાર ચાલી રહી છે જે એક ગુનેગાર છે. હાલ શશીકલા બેંગ્લુરૂની સેન્ટ્રલ જેલમાં છે. સુપ્રીમકોર્ટે એમને દોષી ઠરાવી ચાર વર્ષની સજા ફટકારી છે. ૧૩મી જુલાઈએ સમાચારો આવ્યા હતા કે શશીકલાએ જેલમાં વિવિધ સગવડો મેળવવા માટે જેલના અધિકારીઓને ર કરોડ રૂપિયાની લાંચ આપી હતી. એક અહેવાલ મુજબ જેલ બાબતોના ડાયરેકટર જનરલ એચ.એસ.રાવ એમને સગવડો પૂરી પાડી રહ્યા હતા જે સગવડોમાં ખાવા પીવાની વિશેષ સગવડો પણ હતી. એક આરટીઆઈ અરજીમાંથી પણ માહિતી મળી હતી કે શશીકલાએ જેલ નિયમોનો ભંગ કરી મુલાકાતીઓ સાથે વધુ સમય મુલાકાતો કરતી હતી.