(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેર કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ શશિકાન્ત પટેલે આજરોજ લાલદરવાજા બદ્ર સ્થિત કોંગ્રેસ ભવનમાં આવી તેમનું પદગ્રહણ કર્યું હતું. છેલ્લા અઢી વર્ષથી શહેર પ્રમુખ પદે ચેતન રાવલ ઈન્ચાર્જ તરીકે હતા. હવે અઢી વર્ષ બાદ કાયમી પ્રમુખની વરણી થઈ હતી. પદગ્રહણ સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખે દાવો કર્યો હતો કે, આગામી ર૦૧૯માં તેઓ લોકસભાની બંને બેઠકો જીતી બતાવશે. તેઓ આગામી દસ દિવસમાં જ શહેરનું મજબૂત સંગઠન બનાવી કાર્યકરોની ફોજ ઊભી કરશે. આજના આ પદગ્રહણ કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે વિદાય લેતા પૂર્વ પ્રમુખ ચેતન રાવલની પક્ષ પ્રત્યેની સંગઠનની કામગીરીને બિરદાવીને પ્રશંસા કરી નવનિયુક્ત પ્રમુખ શશિકાન્ત પટેલને પણ પક્ષનું સંગઠન મજબૂત કરવા માટે જણાવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ, અ.મ્યુ.કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ પ્રમુખ પંકજ શાહે પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યું હતું. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખ શશિકાન્ત પટેલે વિધિવત રીતે પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના હોદ્દેદાર, વોર્ડ પ્રમુખો, કાઉન્સિલરો, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, એનએસયુઆઈના કાર્યકર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.