વોશિંગ્ટન,તા.૩૦
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા અને અપ્રવાસીઓના મુદ્દે ફરી એકવાર સરકારનું શટડાઉન કરવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે જો વિપક્ષી ડેમોક્રેસી પાર્ટીએ તેમની આ માંગ ન સ્વીકારી અને કાયદો બદલવામાં મદદ ન કરી તો તેઓ આ પગલું ભરશે.
૨૦૧૭માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પ કોંગ્રેસમાં પોતાની વાત મનાવવા માટે અનેકવાર સરકારના શટડાઉનની ધમકી આપી ચૂક્યા છે. ખાસ કરીને મેક્સિકો તરફની અમેરિકન સરહદે દીવાલ બનાવવા માટે ફંડને લઈને શટડાઉન થયું તો ફંડ ફાળવી નહીં શકાય અને તેની અસર સેવાઓ પર પડશે. નવેમ્બરમાં કોંગ્રેસની મિડ ટર્મ ચૂંટણી છે. એવામાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને તેનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે કોંગ્રેસ અપ્રવાસીઓના મુદ્દે તેમનું બિલ કોઈ ફેરબદલ વગર પાસ કરી દે. તેનાથી સરકાર તેની પર પોતાના હિસાબે કાયદો બનાવી શકશે અને વિઝા નિયમોમાં ફેરફાર કરી શકે. તેઓ એમ પણ ઈચ્છે છે કે સરહદે દીવાલ નિર્માણના ખર્ચની કોંગ્રેસ પાસેથી મંજૂરી મળી જાય.
આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન સરકાર ત્રણ દિવસનું શટડાઉન કરી ચૂકી છે. ત્યારે પણ ડેમોક્રેટ્‌સ અને રિપબ્લિકન્સની વચ્ચે અપ્રવાસીઓ મુદ્દે જ ઘર્ષણ થયું હતું. ડેમોક્રેટ્‌સ ઈચ્છતા હતા કે સાત લાખ ‘ડ્રીમર્સ’ (અભ્યાસ કે નોકરી માટે અસ્થાઈ રીતે અમેરિકામાં રહેનારા)ને દેશમાંથી કાઢવામાં ન આવે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે. ટ્રમ્પ તેમની વાત નહીં માને તો તેઓએ શોર્ટ ટર્મ સ્પેંડિંગ બિલ (સરકારી ખર્ચને લઈને બિલ) ઉપર પણ સહમિત નહીં દર્શાવે.