(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પુત્રી નશરીને ભાજપ નેતા શત્રુઘ્ન સિંહાને ટોળા દ્વારા હિંસાના વધતા બનાવો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અરજ કરતો જાહેરપત્ર લખ્યો છે. તેણીએ લખ્યું કે, તેના પિતાની ધોળા દિવસે ક્રૂર હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણીએ વિચાર્યું હતું કે, તેનો દેશ અન્ય કોઈની સાથે આવું ક્યારેય નહીં થવા દે. તેણી લખે છે કે, ઊંઘતા કે જાગતા આવી ઘટનાઓ મને વિચલિત કરે છે. નશરીને લખ્યું કે, મેં મારા પિતાની હત્યા થતાં નથી જોઈ પરંતુ લોકોએ મને તે જણાવ્યું. તેમણે મને કહ્યું; કેવી રીતે ટોળું તેમને બહાર ખેંચી ગયું અને તેમના પોતાના પરિવાર અને લોકોની સામે તેમના ટુકડા કર્યા. મારા પિતા ૭૩ વર્ષના હતા. છેલ્લા બે વર્ષથી હું નોંધી રહી છું કે, મોબ લિંચિંગની ઘટનાઓ પ્રસરી રહી છે. કેટલાક જાણીતા લોકો હત્યારાઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. પોલીસ લાચાર છે અથવા તો કંઈક કરવા નથી માગતી.
દેશ આ બધુ મૂક બની જોઈ રહ્યો છે ત્યારે એક પિતા તરીકે તમે પુત્રીની ભાવનાઓ સમજી શકો છો. જેણે પોતાના પિતા ગુમાવ્યા છે અને માણસ તરીકે પોતાના પરિજનો ગુમાવનાર લોકોની ભાવનાઓ સમજી શકો છે. કાયદો અને વ્યવસ્થા નિઃસહાય લાગી રહી છે.
એહસાન જાફરીની પુત્રીએ શત્રુઘ્ન સિંહાને આવા અપરાધોની સત્તાવાર ટીકા કરવા તેમજ આ મુદ્દાઓ માટે કમિટી ગોઠવવા વિનંતી કરી છે. તેણીએ દેશના પ્રમુખ નેતાઓને આવી ઘટનાઓ રોકવા એકજૂટ થવા આહ્‌વાન કર્યું છે.

ઉ.પ્ર.માં ટોળાકીય હુમલો, પોલીસે બચાવ કર્યો મૃત ભેંસ લઈ જવાના મુદ્દે ૪ વ્યક્તિઓ ઉપર હુમલો કરાયો

(એજન્સી) હાથરસ, તા.રપ
રાજસ્થાનના અલવરમાં કહેવાતા ગૌરક્ષકોના હુમલાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું એ સમાચારની હજી શાહી સૂકાઈ નથી ત્યાં ઉ.પ્ર.માં ટોળાકીય હુમલાની ઘટના સામે આવી છે. ચાર વ્યક્તિઓ મૃત ભેંસને લઈ જઈ રહ્યા હતા ત્યારે એમની ઉપર હુમલો કરાયો હતો. ચાર વ્યક્તિઓ ઉપર ભેંસ ચોરી હોવાનો આક્ષેપ કરી હુમલો કરાયો હતો જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એક કલાક સુધી ટોળાને સમજાવી ચાર વ્યક્તિનું રક્ષણ કર્યું. આ ઘટના દિલ્હીથી ર૦૦ કિમી દૂર હાથરસમાં બની હતી. ગામવાસીઓએ ચાર વ્યક્તિઓ ઉપર આક્ષેપ મૂક્યો. એમણે વાનમાં મૃત ભેંસ લઈ જતા જોયું હતું. આ વ્યક્તિઓએ ભેંસને ઝેર આપ્યું હતું. ચાર વ્યક્તિઓમાં બે હિન્દુઓ અને બે મુસ્લિમો હતા એમને ખૂબ માર મારવામાં આવ્યું હતું. એક વ્યક્તિએ ગામ લોકોને કહ્યું કે અમે પશુઓની ચોરી નથી કરતા, અમને અમારા કોન્ટ્રાક્ટરે કાર્ય સોંપી જણાવ્યું હતું કે, એક મૃત ભેંસને લઈ આવવાનું છે. જેના વતી અમે ભેંસને લઈ જઈ રહ્યા છીએ પણ ગામવાસીઓએ એમની વાત માની ન હતી. આ ઘટનાનો વીડિયો ટોળામાંથી કોઈકે ઉતાર્યો અને વહેતો કર્યો. એક અન્ય વીડિયોમાં દેખાઈ રહ્યું છે પોલીસ અધિકારી રોષે ભરાયેલ ગામવાસીઓને સમજાવી રહ્યો છે અને છેવટે પોલીસ ચારેય વ્યક્તિઓને પોલીસ સ્ટેશને લઈ આવી. ચાર વ્યક્તિઓએ જણાવ્યું કે, એમની પાસે મૃત પશુઓને લઈ જઈ નાશ કરવાનો લાયસન્સ છે. જે અમે તમને બતાવીશું. પોલીસે કહ્યું કે, અમે વધુ તપાસ કરીશું અને ટોળા સામે પગલાં લઈશું. પોલીસે જણાવ્યું કે, અમે જો થોડું મોડું પહોંચ્યા હોત તો ગંભીર ઘટના બની ગઈ હોત.