(એજન્સી) તા. ૩
ભાજપની જ શોટગન ફરી મોદી વિરુદ્ધ ચાલી છે. ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ સાંકેતિક રીતે વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું છે. તેમણે વડાપ્રધાન મોદીને સલાહ આપતાં વડાપ્રધાનને તૈયારી વિના નિષ્પક્ષ સવાલોના જવાબ આપવા કહ્યું હતું. ગત કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ભાજપના કટ્ટર ટીકાકાર મનાતા શત્રુધ્ન સિંહાએ એક પછી એક ટિ્‌વટ કર્યા હતા. તેમણે ટિ્‌વટ મારફતે કહ્યું કે સર, અમે સોમવારે સાંજે તમારા પહેલાથી તૈયાર(સ્ક્રિપ્ટેડ), કોરિયોગ્રાફ કરેલ, સારી રીતે અધ્યયન કરેલ અને પૂર્વાભ્યાસ સાથે તૈયાર કરેલ ટીવી ઈન્ટરવ્યૂ જોયુ. મોદીને આડેહાથ લેતાં ભાજપ સાંસદે કહ્યું કે અમને ખબર છે કે તમે તેમનો સામનો કરવા માગતા નથી પણ કમ સે કમ મોટા રાજનેતા યશવંત સિંહા અને વિદ્વાન પત્રકાર અરુણ શૌરીના સવાલોના જવાબ આપવાનું સાહસ તો બતાવો. તેમણે કહ્યું કે ઈન્ટરવ્યૂ દરમિયાન પીએમ શાંતચિત્ત દેખાતા હતા પણ આ વિશ્વસનીય નહોતું અને તેમના પહેલાના પ્રદર્શનોને અનુકૂળ પણ નહોતું. શત્રુધ્ન સિંહાએ ગત સાડા ૪ વર્ષમાં મોદી દ્વારા એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરવા પર નિશાન તાક્યું અને કહ્યું કે પહેલા તમામ વડાપ્રધાનોએ પ્રેસ કોન્ફરન્સ કરી પણ સર તમે સાડા ૪ વર્ષના કાર્યકાળમાં એકવાર પર પ્રેસ કોન્ફરન્સ નથી કરી. કેમ સર? તેમણે કહ્યું કે ચાલો, સરકારી માઈન્ડસેટ વિના એક અસલ પત્રકાર સાથે અને તમારા રાગ દરબારી વિના આ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે સિંહાએ મોદીને ૧ જાન્યુઆરીએ આપેલા ઈન્ટરવ્યૂને લઈને આ કટાક્ષ કર્યો હતો. અગાઉ પણ અનેકવાર શત્રુધ્ન સિંહા અનેક મોર્ચે પીએમ મોદી અને ભાજપને આડેહાથ લઈ ચૂક્યા છે. તાજેતરમાં વધતી મોંઘવારીને લઈને સિંહાએ પીએમ મોદીને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે જો સમસ્યાઓને જલદી ઉકેલવામાં નહીં આવે તો ચકલી ખેતર ચણી જશે.