(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
મંગળવારે પુનામાં એક કાર્યક્રમ દરમિયાન અભિનેતા અને ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ કેન્દ્રની ભાજપની મોદી સરકાર પર વચનોનું પાલન કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂકયો છે. સિંહાએ કહ્યું કે તેઓ પક્ષ સામે કોઈ બળવાની નીતિ અપનાવતા નથી પરંતુ અહંકાર અને અહમ સાથે સત્તામાં રહેલા લોકોનો વિનાશ કરશે. બદલાવ ટાળી શકાતો નથી. કોઈ કાયમી સત્તા પર રહેતું નથી. અહંકાર મદદ કરતો નથી. પરંતુ સત્તાધારી લોકો વિનાશ તરફ જઈ રહ્યા છે. ર૦૧૪ પછી વિકાસની ચર્ચાઓ અંગે વસંદદાદા સેવા સંસ્થા દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પણ હાજર હતા. શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે પ્રમાણિકતા અને પારદર્શિતા બન્ને સાથે હોવી જોઈએ પરંતુ સરકારમાં ક્યાં પારદર્શિતા દેખાય છે ? તેમણે વડાપ્રધાન મોદીનું નામ લીધા વગર કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હાલમાં દેશમાં વનમેન શો એન્ડ હ્યુમેન આર્મી છે. ચૂંટણી સમયે આપેલા વચનો ક્યાં દેખાય છે ? તે તરફથી ધ્યાન હટાવવા હિન્દુ-મુસ્લિમ કોમોના મુદ્દા ઉછાળ્યા છે. દેશમાં ઘણા ધર્મો અને જાતિઓ હોવા છતાં દેશ સંગઠિત છે. કોઈને પણ ઉશ્કેરશો નહીં. સિંહાએ ચેતવણી આપી હતી. ભાજપના સાંસદે કહ્યું કે બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્ર સરકારે ચલાવ્યું છે પરંતુ વાસ્તવિકતા જુદી છે. મહિલાઓ સામે અપરાધ વધતા જાય છે. ક્યાં ગયું સૂત્ર ? હવે બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્ર લલકારો. સ્વચ્છ ભારત અભિયાનમાં ટોઈલેટ કાંડ થયા ? ૧૦૦ સ્માર્ટ સિટીની વાહીયાત વાતો થઈ. રોજગારી વધશે તે વાત ખોટી પડી. તેમણે નોટબંધીની ટીકા કરી હતી. નોટબંધીથી દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું. ધંધા-રોજગાર બંધ થયા. જીએસટીએ વધુ એક ફટકો માર્યો. હું બળવાખોર નથી પરંતુ સત્તાધારી લોકોને દર્પણમાં નજર કરવા કહું છું. લોકોના હિતનું વિચારું છું. તેમણે કહ્યું કે ઈન્દિરાજી જીવિત હોત તો તેઓ કોંગ્રેસમાં હોત.