(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
ભારતીય ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિન્હાએ લાહોરમાં એક લગ્ન સમારંભમાં ભાગ લીધો. પાકિસ્તાની મીડિયાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ લગ્ન સમારંભમાં હાજર તમામ લોકો ત્યારે ચોંકી ગયા જ્યારે તેમણે પોતાની વચ્ચે શત્રુઘ્ન સિન્હાને જોયા. બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે સિન્હાની હાજરી જોઇ તેમને સુખદ આશ્ચર્ય થયું. સમારંભમાં શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાની અદાકારા રીમા ખાન સાથે જોવા મળ્યા. આ બંન્નેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાની વેબસાઇટ આલપાકડ્રામા ઓફિશિયલ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘‘દિગ્ગજ બોલિવૂડ અભિનેતા તથા રાજનીતિજ્ઞ શત્રુઘ્ન સિન્હા લાહોરમાં એક લગ્ન સમારંભમાં જોવા મળ્યા, ફિલ્મ સ્ટાર રિમા ખાન પણ ત્યાં હાજર હતી.”
મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શત્રુઘ્ન સિન્હા પાકિસ્તાની વેપારી અસદ અહસનના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે લાહોર પહોંચ્યા હતા. લગ્ન પ્રસંગમાં કવ્વાલી કાર્યક્રમનો પણ તેમને આનંદ ઉઠાવ્યો હતો.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સિન્હા બે દિવસ માટે પાકિસ્તાન આવ્યા છે અને તેઓ અહીં કેટલાક રાજનેતાઓ સાથે મુલાકાત પણ કરી શકે છે. ત્યાં જ હવે આ લગ્નનો વીડિયો આવ્યા બાદ દેશના લોકો શત્રુઘ્ન સિન્હાને ટ્રોલ કરી રહ્યા છે. કેઇ તેમને દેશદ્રોહી બતાવી રહ્યું છે તો કોઇ તેમને ગંદી રાજનીતિ કરવાવાળા ગણાવી રહ્યા છે.