(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કોલકાતામાં શનિવારે યોજાયેલી મમતા બેનરજીની મહારેલીમાં શત્રુધ્ન સિંહા જોશભેર સામેલ થયા હતા, પરંતુ રવિવારે જ ભાજપમાંથી તેમની વિદાયનો સંદેશો આવી ગયો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર બિહારીબાબુ શત્રુધ્ન સિંહાની ભાજપમાંથી વિદાય હવે નિશ્ચિત છે. મમતા બેનરજીની મહારેલીમાં હાજર રહીને શત્રુધ્ન સિંહાએ શિસ્તની લક્ષ્મણરેખા ઓળંગી હોવાને કારણે ભાજપમાં હવે તેમના દિવસો ગણાઈ રહ્યા છે એમ જણાવતાં સૂત્રોએ કહ્યું હતું કે શત્રુધ્ન સિંહાની હકાલપટ્ટી કરવાની તૈયારી પક્ષે કરી લીધી છે. એકાદ-બે દિવસમાં જ બિહારીબાબુને કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને જવાબ આવતા જ તેમની વિરુદ્ધ નિણાર્યક કાર્યવાહી કરવામાં આવશે.
શત્રુધ્ન સિંહા પણ જાણે છે કે વિપક્ષના મંચ પરથી મોદી વિરુદ્ધ બોલવાનું પરિણામ શું આવી શકે છે. શત્રુધ્ન એ પણ જાણે છે કે આ વખતે તેમણે સીધો જ ભાજપને પડકાર ફેંક્યો છે. શત્રુધ્નએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરમુખત્યાર અને પોતાને બગાવત કરનાર લેખાવ્યા હતા.
માનવામાં આવે છે કે પક્ષપ્રમુખ અમિત શાહ બીમારીમાંથી ઊભા થાય એ પછી ભાજપ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આ તમામ વિવાદ વચ્ચે ઝારખંડ સરકારમાં પ્રધાન અને ભાજપના નેતા સી. પી. સિંહે શત્રુધ્ન સિંહાને દગાબાજ લેખાવી દીધા છે.
કોલકતામાં શનિવારે યોજાયેલી મમતા બેનરજીની મહારેલીમાં શત્રુધ્ન સિંહાએ રાફેલ, નોટબંધી અને જીએસટી મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને સાથેસાથે રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી હતી.