(એજન્સી) તા.૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને લક્ષ્યાંક બનાવવા બદલ મોદી સરકારને ચેતવણી આપતા ભાજપતાના વરિષ્ઠ નેતા શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે, સરકાર આગ સાથે રમી રહી છે. પટણાસાહિબના સાંસદે કહ્યું હતું કે, કેન્દ્રમાં સત્તામાં રહેલી પાર્ટીએ તેની વિશ્વસનિયતા ગુમાવી દીધી છે અને આપણે જે વાત કહીએ છીએ તેને લોકો સ્વીકારી લેતા નથી. સિંહાએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, “સરજી શું થઈ રહ્યું છે. શા માટે આપણે એક ખૂબ જ બદનામ અને નિંદનીય સરકારી સંસ્થાનો ઉપયોગ કરી આગ સાથે રમી રહ્યા છીએ. એ પણ ત્યારે જ્યારે ચૂંટણીઓ યોજવવાની તૈયારી છે.” તેમણે કહ્યું હતું કે, આપણે એક એવા પરખાયેલા નેતાને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ જે દોષરહિત છબી ધરાવે છે અને હવાઈ ચંપલ અને સુતરાઉ સાડી તેમની ઓળખાણ છે આપણે આપણી વિશ્વસનિયતા ગુમાવી ચૂક્યા છીએ અને આપણે જે પણ કહીએ છીએ તેના પર લોકો વિશ્વાસ કરતાં નથી.