(એજન્સી) નવી દિલ્હી, તા.રર
સુપ્રીમકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતાં ટ્રિપલ તલાકને ગેરબંધારણીય કરાર આપ્યો છે. પ જજોની બંધારણીય બેંચે ૩-રના બહુમતથી હજારો વર્ષથી ચાલી આવી રહેલી કુનીતિ પર રોક લગાવી છે. બેંચના કહેવા પ્રમાણે તલાક સંવિધાનના આર્ટિકલ ૧૪માં સમાનતાના અધિકારનું હનન કરે છે. આ નિર્ણય શાયરાબાનુની અરજી પર કરવામાં આવ્યો છે. શાયરાબાનુને તેમના પતિએ પોસ્ટ દ્વારા તલાકની નોટિસ આપી હતી. શાયરાબાનુ ઉત્તરાખંડના કાશીપુરની રહેવાસી છે. ર૦૦રમાં તેઓએ અલ્હાબાદના રિઝવાન અહમદથી લગ્ન કર્યા. તેમના બે બાળકો પણ છે, શાયરા મુજબ તેમના સાસરિયાઓ તેણીને ખૂબ જ હેરાન કરવામાં આવતી હતી. તેની જોડે મારપીટ કરવામાં આવતી હતી. જેના કારણે તે બીમાર રહેતી હતી. ત્યારબાદ રિઝવાને શાયરાને બળજબરીથી કાશીપુર તેના પિતાને ઘરે મોકલી દીધી હતી. વર્ષ ર૦૧પમાં તેના પતિએ પોસ્ટ દ્વારા તલાક મોકલાવી સંબંધ પૂરા કરી નાંખ્યા હતા. તલાકને પડકારતા તે સુપ્રીમકોર્ટ પહોંચી હતી. શાયરાની અરજી દ્વારા મુસ્લિમ પર્સનલ લૉ એપ્લીકેશન એક્ટ ૧૯૩૭ની ધારા-રને પણ પડકાર આપવામાં આવ્યો હતો. આ કલમને કારણે મુસ્લિમોમાં એક કરતાં વધુ વિવાદ, ત્રણ તલાક અને નિકાહ, હલાલા જેવી કુનીતિઓને કાયદાકીય આધાર મળે છે. અરજીમાં સઉદી, પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશોમાં ત્રણ તલાક પર પ્રતિબંધ વિશે કહેવામાં આવ્યું છે. અરજીમાં કહ્યું છે કે, ભારત જેવા પ્રગતિશીલ દેશોમાં આ વસ્તુઓની કોઈ જરૂર નથી. નિર્ણય બાદ શાયરાબાનુએ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે આના માટે થોડા સમયમાં જ કાયદાઓ બનાવવામાં આવે. શાયરાએ કહ્યું કે હુ નિર્ણયનું સ્વાગત કરું છું. આ મુસ્લિમ મહિલાઓ માટે ઐતિહાસિક દિવસ છે. મુસ્લિમ સમાજમાં મહિલાઓની સ્થિતિને સમજવી જોઈએ અને આ નિર્ણયને માનવો જોઈએ અને તરત જ આના માટે કાયદાઓ બનાવવામાં આવે. શાયરા ઉપરાંત મધ્યપ્રદેશની ઈશરત જહાંએ પણ આ મામલે અરજી કરી હતી. તેના પતિએ ફોન પર જ ત્રણ વખત તલાક કહીને સંબંધ કાપી નાંખ્યો હતો. ઈશરતના મુજબ તેના પતિએ તેને અને ચાર બાળકોને ઉપરવાળાના ભરોસે છોડી દીધા હતા. આ ઉપરાંત ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન નામની સંસ્થાએ ‘‘મુસ્લિમ વુમન્સ કવેસ્ટ ફોર ઈકવેલિટી’’ નામથી એક પત્ર લખ્યો હતો. કોર્ટે આને પણ સંજ્ઞાન લેતાં અરજીના રૂપમાં સ્વીકાર કર્યો હતો.