અમદાવાદ, તા.ર૭
રાજ્યભરમાં કાળ-ઝાળ ગરમીએ માઝા મૂકી છે. બપોરના સમયે આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવુ લાગી રહ્યું છે. કાળ-ઝાળ ગરમીને કારણે મોટા શહેરોના રોડ-રસ્તાઓ પર જાણે સ્વયંભૂ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોએ રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. આજે રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી વધુ રહ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪ર.૮ ડિગ્રી જેટલો નોંધાયો હતો. કાળ-ઝાળ ગરમીને લીધે લૂ લાગવા સહિતના ઈમરજન્સી કેસોમાં મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. ગરમીથી લોકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. જ્યારે આવનાર દિવસોમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા એકાદ સપ્તાહથી રાજ્યભરમાં કાળ-ઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લીધે સમગ્ર પ્રકૃતિ શુષ્ક બની છે. જનજીવન વિશેષ પ્રભાવિત થયું છે આજે રાજ્યમાં સુરેન્દ્રનગર ખાતે ૪ર.૮ ડિગ્રી જેટલુ ઉંચુ તાપમાન નોંધાયુ હતું. જ્યારે અમરેલીમાં ૪ર.૦, અમદાવાદ અને રાજકોટમાં ૪૧.૯, ઈડરમાં ૪૧.૮, ગાંધીનગરમાં ૪૧.પ, ડીસા અને ભૂજમાં ૪૧.ર, વડોદરામાં ૪૦.પ અને કંડલામાં મહત્તમ તાપમાન ૪૦.ર ડિગ્રી જેટલુ નોંધાયુ હતું. ગરમીને કારણે પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં કાળ-ઝાળ ગરમીનું વધુ ઉગ્ર સ્વરૂપ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪ર.૮
અમરેલી ૪ર.૦
અમદાવાદ ૪૧.૯
રાજકોટ ૪૧.૯
ઈડર ૪૧.૮
ગાંધીનગર ૪૧.પ
ડીસા ૪૧.ર
ભૂજ ૪૧.ર
વડોદરા ૪૦.પ
કંડલા ૪૦.ર