ભરૂચ લોકસભા બેઠક પર અંતે કોંગ્રેસે યુવા અગ્રણી શેરખાન પઠાણની પસંદગી કરતા મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે જઈ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
બીટીપી સાથે ગઠબંધનમાં મડાગાંઠ રહેતા ભારે કશ્મકશ અને એક પછી એક વહેતા થયેલા નામોના અંતે કોંગ્રેસે યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણના નામની જાહેરાત સત્તાવાર રીતે કરી હતી. જેના પગલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા.
આતશબાજી અને ઢોલનગારા અને નાચતા કૂદતા સમર્થકોના વિશાળ કાફલા સાથે શેરખાન પઠાણે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શેરખાન પઠાણ સાથે જિલ્લા પ્રમુખ સાથે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત અન્ય દાવેદારો એવા સુલેમાન પટેલ, સંદીપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રણા સહિત અન્ય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.