ભાવનગર, તા.૧૯
એસઓજી શાખાના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહિલને બાતમી આધારે ગઇકાલે એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.એ. જાડેજા તથા એસઓજી ટીમે શિહોર સરકારી દવાખાના સામે આવેલ વલ્લભ કોમ્પ્લેક્ષમાં પહેલાં માળે આવેલ લક્ષ્મી ફોટો ફિંગર નામના ફોટો સ્ટુડીયોમાંથી હિતેષભાઇ વિનોદરાય પવાર (ઉ.વ.૪૪) રહેવાસી કંસારા બજાર મબઈ વંડા સામે શિહોર જિલ્લો ભાવનગરવાળાને તથા શિહોર વિજય કોમ્પ્લેક્ષમાં આવેલ ગોપાલ ઝેરોક્ષ નામની દુકાનમાંથી મહેશભાઇ નાથાભાઇ લાલાણી (ઉ.વ.૬૧) રહેવાસી શિહોર કંસારા બજાર ખોડી વડલીવાળાને બનાવટી તેમજ શંકાસ્પદ (૧) ડ્રાઇવિંગ લાયસન્સ-૨૨, (૨) પાનકાર્ડ-૨, (૩) ચૂંટણીકાર્ડ-૧૩, (૪) વાહનની આર.સી. બુક-૨, (૪) આધારકાર્ડ-૧૫ સાથે બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા ઉપયોગમાં લીધેલ કોમ્પ્યુટર નંગ-૨, સ્કેનર, પ્રિન્ટર તથા બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાના સાહિત્ય સાથે ઝડપી પાડેલ છે. આ બનાવટી ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડમાં ફોટો સ્ટુડિયો ચલાવતા આરોપી હિતેશભાઇ ગ્રાહકો પાસેથી પૈસા લઇ કોમ્પ્યુટરની મદદથી સોફ્ટવેર દ્વારા ખોટા ડોક્યુમેન્ટ બનાવતો હતો અને તેની પ્રિન્ટો ઝેરોક્ષની દુકાન ચલાવતા આરોપી મહેશભાઇ લાલાણી પાસે કઢાવતો હતો અને બંન્ને વિરૂદ્ધમાં શિહોર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવ્યો છે.