દ્વારકા,તા.૧
દ્વારકા જિલ્લાના ચરકલા નજીકના રણ વિસ્તારમાંથી મોડીરાત્રે રેન્જ ફોરેસ્ટ ઓફિસના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે પેટ્રોલિંગ કરી બે શખ્સોને કુંજ પક્ષીનો શિકાર કરતા પકડી પાડ્યા છે. જ્યારે બે નાસી છૂટવામાં સફળ થયા છે. ગ્રામજનોના સહયોગથી કરવામાં આવેલી કામગીરીમાં ઝાળમાં ફસાયેલા છ પક્ષીઓને મુક્ત કરાવાયા હતા.
આ ટૂકડીની સાથે આજુબાજુના કેટલાક ગામોના યુવાનો અને કચેરીનો સ્ટાફ પણ જોડાયો હતો. મોડીરાત્રે પેટ્રોલિંગ દરમ્યાન જ્યારે આ ટૂકડી ગુરગઢ તરફના ચરકલા સોલ્ટના રણ વિસ્તાર પાસે પહોંચી ત્યારે કુંજ પક્ષીઓનો અવાજ સંભળાતા મરીન નેશનલ પાર્કના અધિકારીઓ વહેમાયા હતા. તેઓએ આ દિશામાં તપાસ કરતા કેટલાક શખ્સો કુંજ (કરકરા) પક્ષીઓને પતંગ સાથેની ઝાળમાં ફસાવી તેઓનો શિકાર કરવાની કોશિષ કરતા હોવાનું જણાયું હતું.
આથી અધિકારીઓએ દોટ મૂકી પ્રકાશ ફેલાવતા ચોંકી ઉઠેલા શિકારીઓ પૈકીના બે શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે દ્વારકા તાલુકાના રૂપેણ બંદર પર વસવાટ કરતા સલીમ જુસબ ઈશબાની અને ફિરોઝ જમાલ ઈશબાની નામના બે શખ્સો ઝડપાઈ ગયા હતા.