(એજન્સી) નૈનીતાલ, તા.રપ
રામનગરના ગિરિજી દેવી નામક પ્રખ્યાત મંંદિરમાં રરમેના રોજ મળવા આવેલ એક યુગલને ટોળાએ યુવતી હિન્દુ અને યુવક મુસ્લિમ હોવાના કારણે વિવાદનું કેન્દ્ર બનાવ્યું હતું. તેમજ યુવકને માર માર્યો હતો. યુવકની ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હોત જો તે સમયે ઘટનાસ્થળે હાજર ઉત્તરાખંડ પોલીસ વિભાગના સબ-ઈન્સપેક્ટર ગગનદીપસિંહે તેનો આબાદ બચાવ ન કર્યો હોત. ભેગા થયેલા ટોળાએ યુગલને ખૂબ ગાળો ભાંડી અને જ્યારે પોલીસ યુવકને ઘટનાસ્થળેથી દૂર લઈ જઈ રહી હતી. ત્યારે તેમણે ‘પોલીસ-પ્રશાસન હાય-હાય’ના નારા પણ લગાવ્યા. આ મુદ્દે પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં યુગલ પુખ્ત છે અને બન્ને સ્વેચ્છાએ એકબીજાને મળવા આવ્યા હતા. બન્નેના માતા-પિતાને બોલાવીને આ મુદ્દો રફે-દફે કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શિખ પોલીસ અધિકારીની ચારેતરફથી પ્રશંસા કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાના પ્રાપ્ત વીડિયોને આધારે પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.