(એજન્સી) તા.ર૬
ઉત્તરાખંડમાં ગયા અઠવાડિયામાં એક મુસ્લિમ યુવકને હિંસાખોર ટોળાથી બચાવનાર યુવાન સબ-ઈન્સ્પેકટર ગગનદીપસિંહના આઈપીએસ એસોસિએશને વખાણ કર્યા હતા. સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટથી ટ્‌વીટ કરી આઈપીએસ એસોસિએશને લખ્યું હતું. એક યુવકને હિંસાખોર ટોળાથી બચાવવા માટે અમે ઉત્તરાખંડ પોલીસના સહકર્મીની હિંમત, કરૂણા અને સમય સૂચકતાને સલામ કરીએ છીએ. સબ-ઈન્સ્પેકટર ગગનદીપસિંહે એવા મૂલ્યોનું ઉદાહરણ આપ્યું છે જે દરેક પોલીસ અધિકારીને માર્ગદર્શન આપશે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના સભ્યો એક મુસ્લિમ યુવકની હત્યા કરવા ઈચ્છતા હતા ત્યારે ગગનદીપસિંહે બહાદૂરીપૂર્વક તે યુવકને બચાવી લીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોએ ગગનદીપસિંહની બહાદૂરીના વખાણ કર્યા હતા. ગગનદીપસિંહે કહ્યું હતું કે મને સોશિયલ મીડિયા પર ઘણા હકારાત્મક સંદેશાઓ મળ્યા હતા પરંતુ મને ઘણા બધા દ્વેષી સંદેશાઓ પણ મળ્યા હતા. આ ઘટના ઉત્તરાખંડના રામનગર વિસ્તારમાં આવેલા ગિરિજાદેવી મંદિર નજીક બની હતી.