(એજન્સી) સોલ,તા.૭
દક્ષિણ કોરિયાના પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયા અને તેના ટોચના નેતાઓ દરમિયાન ચાલુ મહિનામાં ૧૮થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન પ્યોંગયાંગમાં શિખર સમ્મેલન આયોજીત કરવામાં આવશે. આ ઘટનાક્રમ વચ્ચે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે કોરિયાઈ ટાપુમાં પરમાણુ નિરસ્ત્રીકરણની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ઉત્તર કોરિયામાં પરમાણુ નિરસ્ત્રીકરણના અમેરિકાના વિક્ષેપિત પ્રયત્નો વચ્ચે આગામી ૧૮થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી શિખર વાર્તાની જાહેરાત કરવામાં આવી છે. બન્ને દેશઓના ટોચના નેતાઓ વચ્ચે યોજાનારી આ ત્રીજી આંતર કોરિયન સમિટ હશે.
આ અંગેની માહિતી આપતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ યૂઈ-યોંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, બન્ને નેતાઓ ઉત્તર કોરિયાની રાજધાનીમાં મુલાકાત કરશે અને પરમાણુ નિરસ્ત્રીકરણના વ્યવહારિક પગલા અંગે ચર્ચા કરશે.
ઉલ્લેખનીય છે કે, બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય ચર્ચાની ચાલુ વર્ષમાં જ આ ત્રીજી ઘટના હશે. આ પહેલાં ૨૦૧૮ના વર્ષમાં જ ૨૭ એપ્રિલ અને ત્યારબાદ ૨૬ મેના રોજ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે શિખર મંત્રણા યોજાઈ હતી. આપને જણાવી દઈએ કે, પરમાણુ નિરસ્ત્રીકરણની દિશામાં યોગ્ય પગલા નહીં લેવાનું કારણ જણાવીને અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ ઉત્તર કોરિયાની તેમની રાજકીય મુલાકાત રદ્દ કરી હતી.