અમદાવાદ, તા.૧૭
ચૂંટણીઓ નજીક આવતા હવે આંદોલનોની રફતાર વધુ ગતિ કરી રહી છે. સૌ કોઈ પોતાની માગને બળવતર બનાવવા લાગી ગયા છે.
ગઈકાલે વડાપ્રધાનના આગમન ટાણે ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ કર્મીઓએ ગાંધીનગરમાં ધરણાનું એલાન કરેલું તેમાં મુખ્ય માંગ ૧૭/૧/૧૭ના શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર તમામને ફીક્સ પગારનો વધારો આપી દેવાયો છે. પ્રા.શિક્ષકોનો ફીક્સ પગાર હાલ ૧૯પ૦૦ છે જ્યારે ઉચ્ચ માધ્યમિકમાં કામ કરતા શિક્ષણ સહાયક તેનાથી ૪ હજાર ઓછો ૧પપ૦૦ પગાર મેળવે છે. વળી આ ફીક્સ પગારનો વધારો સરકારી કર્મચારીઓ સહિતના તમામ લોકોને આપી દેવાયો છે. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે સરકાર ભેદભાવભરી નીતિ અપનાવતી હોવાની ફરિયાદ વર્ષોથી ઉઠતી આવી છે. માધ્યમિકના આ સહાયકો અને શિક્ષણ મંડળો આ માટે ગઈકાલે સત્યાગ્રહ છાવણીમાં ધરણા પર બેસતા એક હજારથી પણ વધુ શિક્ષકોની ધરપકડ ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પંકજ પટેલની આગેવાનીમાં કરવામાં આવી. વધુ રસપ્રદ વાત એ બની કે શિક્ષણના મંડળોમાં એક સૂત્રતાનો અભાવ જોવા મળ્યો. કેટલાક મંડળો સરકારની સાથે ભળી જતાં અનેક લોકો આચંકો અનુભવ્યો. એક તબક્કે અમુક લોકોએ આ કાર્યક્રમ મોકૂફ રહ્યાનો સંદેશો વહેતો કરતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા. વિવિધ સંવર્ગોના નેતૃત્વમાં મતમતાંતર અનેકના લાભો પર પ્રશ્નાર્થ ઊભો કર્યો ?!
ફીક્સ પગારનો વધારો સત્વરે માધ્યમીકના કર્મચારીઓને આપવો જોઈએ તેમ શિક્ષણના અનેક રચનાત્મક કાર્યકર્તાઓએ પણ સરકારનું ધ્યાન દોરી નિર્ણય કરવા વિનંતી કરી.