(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૮
દિલ્હી કોંગ્રેસના પ્રમુખ શીલા દિક્ષીતે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અને આમ આદમી પાર્ટીએ દિલ્હી વાસીઓને આપેલા વચનો પાળ્યા નથી. શીલાએ જણાવ્યું હતું કે, તેમની સરકાર આગામી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય રાજધાનીની તમામ બેઠકો પર વિજય મેળવશે. શીલાએ જણાવ્યું હતું કે, જનતાને હજુ યાદ છે કે, કોંગ્રેસે દિલ્હીમાં વિકાસ કર્યો હતો. ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી રહેલા શીલા દિક્ષીતે જણાવ્યું હતું કે, શાસક આપને ખબર નથી કે કઈ રીતે કામ કરવું. ગઈ ચૂંટણીમાં પ્રજાએ ભાજપ અને આપને મત આપ્યા હતા પણ બંને પાર્ટીઓએ લોકોને ખોટા વચનો જ આપ્યા હતા. શીલાએ જણાવ્યું હતું કે, આપ કામ કરવાના બદલે ઊંચા દાવા કરે છે. તેમણે લોકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં આપને મત ન આપે.