(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
દિલ્હીમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દિક્ષિતનું શનિવારે અચાનક હાર્ટ એકેટને કારણે ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. હાર્ટ એટેકને પગલે સવારે તેમને એસકોર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે બપોરે ૩.૫૫ વાગે તેઓ નિધન પામ્યા હતા. ફોર્ટિસ એસ્કોર્ટના ડાયરેક્ટર ડોક્ટર અશોક સેઠે જણાવ્યું કે, હોસ્પિટલમાં તેમને પહેલા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શીલા દિક્ષિત ૧૫ વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ૧૦મી જાન્યુઆરીએ તેમને દિલ્હીમાં પાર્ટીના અધ્યક્ષની જવાબદારી સોંપી હતી. શીલા દિક્ષિતના પાર્થિવ શરીરને તેમના પૂર્વીય નિઝામુદ્દીન ખાતે આવેલા નિવાસે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપ નેતા વિજય ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી ગયા હતા. રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યા બાદ તેમની અંતિમ યાત્રા નિગમ બોધ ઘાટ માટે રવાના થશે. બીજી તરફ કેજરીવાલ સરકારે દિલ્હીમાં બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી હતી.
શીલા દિક્ષિત ઉત્તરપૂર્વ દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા પણ તેઓ ભાજપના મનોજ તિવારી સામે હારી ગયા હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમના નિધનના સમાચાર સાંભળીને તેઓ ભાંગી પડ્યા છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રિય દિકરી હતા. તેમની સાથે હું મારી અંગત વાતો પણ વહેંચતો હતો. આ સૌથી મોટા દુઃખના સમયે મારી સંવેદના તેમના પરિવાર અને દિલ્હીના લોકો માટે છે જ્યાં તેમણે ૧૫ વર્ષ સુધી સ્વાર્થ વિના સેવા આપી. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શીલા દિક્ષિતના નિધનથી ઘેરૂં દુઃખ થયું છે. દિલ્હીના વિકાસમાં તેમનો નોંધનીય ફાળો છે. તેમના પરિવાર અને સમર્થકો માટે મારી સંવેદના છે. ઓમ શાંતિ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને ટિ્‌વટમાં જણાવ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન દેશના પાટનગરમાં પરિવર્તનની લહેર હતી જેના માટે તેઓને હંમેશા યાદ કરાશે. તેમના પરિવાર તથા સહયોગીઓ માટે મારી સંવેદના છે. ઉલ્લેખનીય છે કે, શીલા દિક્ષિતે ૧૯૯૮થી ૨૦૧૩ દરમિયાન સતત ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની ફરજ બજાવી છે. તેમને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે છેલ્લે હરાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે ટિ્‌વટ કર્યું હતું કે, દિલ્હી માટે શીલા દિક્ષિતનો ફાળો હંમેશા યાદ રખાશે. આ દિલ્હી માટે ઘણું મોટું નુકસાન છે. તેમના પરિવારનાસભ્યો પ્રત્યે મારી સંવેદનાઓ છે. તેમની આત્માને શાંતિ મળે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના કોંગ્રેસ નેતા અને પોતાના સસરા ઉમાશંકર દિક્ષિતની દોરવણીથી તેઓએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉમાશંકર દિક્ષિત ઇન્દિરા કેબિનેટમાં મંત્રી રહી ચુક્યા છે. વર્ષ ૧૯૮૪માં શીલા દિક્ષિત પ્રથમવાર ઉત્તરપ્રદેશના કન્નૌજમાંથી લોકસભા ચૂંટણી જીતીને પ્રથમવાર સાંસદ બન્યા હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ખૂબ નજીક મનાતા હતા અને તેમના કેબિનેટમાં મત્રી પણ રહી ચૂક્યા છે. પંજાબના કપૂરથલામાં જન્મેલા શીલા દિક્ષિતને લોકો માટે કરેલા વિવિધ કાર્યક્રમોનો શ્રેય જાય છે. શીલા દિક્ષિતના પિતા સંદીપ દિક્ષિત પણ કોંગ્રેસના નેતાહતા અને દિલ્હીમાંથી સાંસદ રહી ચુક્યા છે.

શીલા દીક્ષિતના મૃત્યુની સાથે ભારતે એક સમર્પિત નેતા ગુમાવી દીધો : ડૉ.મનમોહનસિંઘ

દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા શીલા દીક્ષિતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહે કહ્યું હતું કે, દેશે એક સમર્પિત કોંગ્રેસ નેતા ગુમાવી દીધો છે. ડૉ.મનમોહનસિંહે આ પણ કહ્યું હતું કે દિલ્હીના લોકો શીલા દીક્ષિતે મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આપેલા યોગદાનને હંમેશા યાદ રાખશે. એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં ડૉ.મનમોહનસિંહે કહ્યું હતું કે, તેમને શીલા દીક્ષિતના મૃત્યુ વિશે સાંભળી આઘાત લાગ્યો. તેમણે કહ્યું હતું કે હું શીલા દીક્ષિતના મૃત્યુ વિશે સાંભળી આઘાતમાં છું. તેમના મૃત્યુની સાથે દેશે કોંગ્રેસના એક સમર્પિત નેતાને ગુમાવી દીધો. દિલ્હીના લોકો શીલા દીક્ષિત મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં રાજ્યના વિકાસ માટે આપેલા યોગદાનને હંમેશા યાદ રાખશે.

શીલા દીક્ષિત કોંગ્રેસની પ્રિય બેટી હતાં : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નિધન પર દુખ વ્યક્ત કરતાં તેમને પાર્ટીની પ્રિય બેટી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે મુખ્યમંત્રી તરીકે રાષ્ટ્રીય રાજધાનીનાં લોકોની નિઃસ્વાર્થપણે સેવા કરી હતી. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે, હું શીલા દીક્ષિતજીના નિધન અંગે જાણીને વ્યથિત છું. તે કોંગ્રેસ પાર્ટીની પ્રિય બેટી હતા, જેમની સાથે મારો નજીકનો સંબંધ હતો. આ દુખની ક્ષણોમાં તેમના પરિવાર અને દિલ્હીના લોકો પ્રત્યે મારી સંવેદના છે. તેમણે ત્રણ વખત મુખ્યમંત્રી દિલ્હીના લોકોની રહેતાં નિઃસ્વાર્થપણે સેવા કરી હતી. તો કોંગ્રેસના ઓફિશિયલ ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું કે, અમે શ્રીમતી શીલા દીક્ષિતના નિધનની ખબર સાંભળી દુખી છીએ. આજીવન કોંગ્રેસ સભ્ય અને ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે તેમણે દિલ્હીનો ચહેરો બદલી દીધો હતો. તેમના પરિવારજનો અને દોસ્તો માટે અમારી સંવેદનાઓ છે. ભગવાન તેમને શક્તિ આપે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયું હતુ. તે ૮૧ વર્ષના હતા. તે ૧૯૯૯થી ૨૦૧૩ વચ્ચે ૧૫ વર્ષો સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.