(એજન્સી) સિમલા, તા. ૩૦
હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન શિમલામાં પાણીની કટોકટી વધુ ગંભીર થઇ ગઇ હોવાથી સ્થાનિક લોકો પર્યટકોને પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી શિમલા નહીં આવવાની અપીલ કરી રહ્યા છે. શિમલાના જળસ્ત્રોતો મર્યાદિત હોવાથી શાંતિપૂર્ણ શહેરમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે રોડ રોકો અને અથડામણો વચ્ચે સોશિયલ મીડિયા પર સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓ દ્વારા પર્યટકોને શિમલા નહીં આવવાની અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો પાણીના ટેંકરમાંથી પાણી લેવા માટે ડોલ અને કેન લઇને લાઇનમાં કલાકો સુધી ઉભા રહે છે. હિમાચલ પ્રદેશની હાઇકોર્ટે પણ કાર ધોવા અને બાંધકામ સામે કામચલાઉ પ્રતિબંધ લાદીને પાણીની સમસ્યા હળવી કરવાનો પણ પ્રયાસ કર્યો છે. હાઇકોર્ટે પ્રધાનો, અમલદારો અને જજીસ જેવા વીવીઆઇપી લોકોને પાણી આપવામાં પ્રાથમિકતા આપવા સામે આદેશ આપ્યો છે. શિમલામાં ટેંકર્સ દ્વારા પાણી પૂરા પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં શહેરમાં પાણીની સમસ્ય વધુ વિકટ બની રહી છે. શિમલાને દરરોજ ૪.૫ કરોડ લિટર પાણીની જરૂર છે તેની સામે શહેરને માત્ર ૧.૮ કરોડ લિટર પાણી આપવામાં આવી રહ્યું હોવાથી પાણીની તીવ્ર અછત સર્જાઇ છે. શિમલામાં આ સીઝનમાં દરરોજ ૨૦,૦૦૦ પર્યટકો આવે છે. પર્યટકોને કારણે જળ સ્ત્રોતો પર વધારાનો બોજો પડતો હોવાથી રાજ્ય સરકારને શિમલા સમર ફેસ્ટિવલ અચોક્કસ મુદ્દત સુધી મોકૂફ રાખવાની ફરજ પડી છે. આ ઇવેન્ટ પહેલી જૂન શરૂ થવાની ધારણા હતી.