Ahmedabad

શિંગોડા ડેમ ઊંડો કરવા મામલે સરકાર અને વન વિભાગને રિપોર્ટ રજૂ કરવા આદેશ

અમદાવાદ, તા.ર૮
ગીર અભયારણ્ય ખાતે આવેલા શિંગોડા ડેમ ઊંડો કરવાની કામગીરી બાબતે હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વન વિભાગને નોટિસ કાઢીને તેના સ્ટેટ્‌સ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી આવતા મહિને હાથ ધરવામાં આવશે.
સિંહોના અભયારણ્ય અને રક્ષિત વિસ્તાર ગીર નેશનલ પાર્ક ખાતે આવેલા શિંગોડા ડેમનું જળાશય ઊંડું કરવાની પરવાનગી રદ કરવાના મુદ્દે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જળાશયો ઊંડા કરવાની કામગીરીના ભાગરૂપે ચલાવાય રહેલા જળ સંચય અભિયાન હેઠળ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ હોવાથી સ્થાનિક કલેક્ટર અને વન વિભાગ દ્વારા આ મહિને મંજૂરી અપાઈ છે. પિટિશનર અને વન્યજીવ પ્રેમી શૈલેન્દ્ર જાડેજા દ્વારા કરાયેલી અરજીમાં રજૂઆત કરાઈ હતી કે આ યોજના હેઠળ રોજના એક હજાર ટ્રેકટરને નેશનલ પાર્કમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. જો આ ટ્રેકટરો વનમાં પ્રવેશે તો સિંહો, મગર તેમજ અન્ય વન્ય જીવો માટે પ્રતિકૂળ વાતાવરણ સર્જાય તેમ છે. કાયદા મુજબ રક્ષિત વન વિસ્તારમાં આ પ્રમાણે પરમિશન આપી શકાય નહીં. તેમ છતાં આ યોજના માટે જળાશય ઊંડું કરવા માટે પરમિશન અપાઈ છે. એ રદ કરવી જોઈએ.