કોડીનાર, તા.૧૬
કોડીનાર તાલુકાના સિંચાઈ અને પીવાના પાણી માટેના જીવાદોરી સમાન ગીર જંગલની બોર્ડર જામવાળા નજીક આવેલ શિંગોડા ડેમમાંથી ડેમ શરૂ થયાના ૪૨ વર્ષ બાદ પ્રથમ વખત કાંપ કાઢવાની શરૂઆત થતાં પંથકમાં ભારે ખુશીની લહેર ફેલાઈ છે. ગુજરાત રાજ્યની સુજલામ સુફલામ યોજના હેઠળ ડેમો-નદી-તળાવોને ઊંડા ઉતારી પાણી સંગ્રહ વધારવાના ભાગરૂપે કોડીનારના શિંગોડા ડેમમાંથી ઈતિહાસમાં પ્રથમ વખત કાંપ કાઢવાની મંજૂરી મળતા આનો સીધો લાભ કોડીનાર સહિતના ૩ તાલુકાના ૧પ૦ જેટલા ગામડાઓને તેમજ આસપાસના વિસ્તારો અને ગીર જંગલના વન્ય પ્રાણીઓના પાણીના સ્ત્રોતો અને અન્ય તળો ઊંચા આવવાથી સિંચાઈ અને પાણીની સમસ્યા હલ થવાની શક્યતા જોવાઈ રહી છે. જામવાળા ગીરમાં આવેલ ૮૫૦૮ હેક્ટરમાં ફેલાયેલો ૧૯૭૬માં રૂા.૩૮૫ લાખના ખર્ચે શિંગોડા ડેમ ૧૨૮૫.૫૩ મીટર ઘનફૂટની ક્ષમતા ધરાવતો અને ૧૨૭૩ એમસીએફટી પાણી સંગ્રહ કરવાની વિશાળ કેપીસિટી ધરાવતા શિંગોડા ડેમમાં હાલ કાંપના લીધે ૮૦૦થી ૮પ૦ એમસીએફટી જ પાણીનો સંગ્રહ થાય છે ત્યારે શિંગોડા ડેમ શરૂ થયાના ૪૨ વર્ષ બાદ ડેમથી ૧૫ હજાર ઘનમીટર કાંપ દૂર કરવામાં આવનાર હોય તેથી ૩૦૦થી ૩પ૦ એમસીએફટી પાણીનો વધુ સંગ્રહ થઈ શકશે જેનાથી ૩ તાલુકાના ૧પ૦થી વધુ ગામડાઓને લાભ મળશે. હાલ શિંગોડા ડેમમાં ર જેસીબી મશીન અને જરૂરિયાત મુજબના ટ્રેક્ટરોથી કાંપ કાઢવામાં આવી રહ્યો છે. જેને ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા આ ફળદ્રુપ કાંપ ખેડૂતો પોતાની જમીનમાં ઠાલવી સમૃદ્ધ કરી રહ્યા છે. શિંગોડા સિંચાઈ વિભાગના ઈજનેરે અરવિંદ કલસારિયાએ જણાવ્યા મુજબ ડેમમાં હાલ ૨૫૦ એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને ડેમના પાણીથી ખાલી થયેલ વિસ્તારમાંથી હાલ કાંપ કાઢવામાં આવી રહ્યો છે અને ૩૧ મે સુધી કાંપ કાઢવાની કામગીરી કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોડીનાર વિસ્તારને હજુ નર્મદાનું પાણી મળ્યું ન હોય અને આવનારા સમયમાં પણ નર્મદાનું પાણી મળવાની શક્યતા નહીંવત હોય ત્યારે કોડીનાર તાલુકા માટે એકમાત્ર શિંગોડા ડેમ જ જીવાદોરી સમાન હોય ૪૨ વર્ષના લાંબા ગાળે ડેમમાંથી કાંપ દૂર થનાર હોય અને શિંગોડા ડેમમાં કાંપ દૂર થવાથી વધુ પાણીનો સંગ્રહ થનાર હોય કોડીનાર વિસ્તાર વધુ સમૃદ્ધ થશે.