(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૦
જાપાનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન બુલેટ ટ્રેનનું ખાતમૂહુર્ત કરવા તા.૧૩થી તા.૧પ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આવવાના છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવી દેવાની રિહર્સલ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બંને વીવીઆઈપી મહેમાનોની સુરક્ષામાં કોઈ છીંડા રહી ન જાય તે માટે પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જાપાનના વડાપ્રધાન શિન્જો આંબે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પહેલી બુલેટ ટ્રેનનું ખાતમૂહુર્ત કરવા માટે અમદાવાદમાં આવવાના છે. બંને મહાનુભાવોના તા.૧૩થી ૧પ સપ્ટેમ્બરના પ્રવાસ દરમિયાન સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વીવીઆઈપી મહેમાનોના પ્રવાસને લીધે અમદાવાદ શહેર પોલીસ સહિત રાજ્યભરના પોલીસકર્મી અને અધિકારીઓની રજા આગામી તા.૧૮ સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હોવાનો ડીજીપીએ આદેશ કર્યો છે. જાપાન અને ભારતના વડાપ્રધાન મહેમાન બનવાના હોવાથી અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ સાથે સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદમાં આવનારા મહેમાનોની સુરક્ષા માટે જરૂર પડે તો નાકાબંધી કરવા માટેની સ્કીમ પોલીસ કમિશનર કચેરી દ્વારા તૈયાર કરી દેવાઈ છે. નાકાબંધી જાહેર કરી દેવાય ત્યારે તમામ પોલીસ સ્ટેશનોમાં નાકા પોઇન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ તૈનાત થઈ જાય તેની સમજણ આપી દેવામાં આવી છે. નાકાબંધી કરવાનું જાહેર થતા જ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોતાના વિસ્તારમાં પોલીસની ઉપસ્થિતિનું સુપરવિઝન કરી સુરક્ષા વધુ સુદૃઢ બનાવવા આવશ્યક સૂચનો કરશે. જો કે નાકાબંધી જાહેર કર્યા બાદ શહેરમાંથી શંકાસ્પદ વ્યક્તિ કે સામાન બહાર જઈ શકશે નહીં કે અંદર આવી શકશે નહીં. તેવી ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં જાપાન અને ભારતના વડાપ્રધાનના પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.