(એજન્સી) ભોપાલ, તા.૮
ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર દર વર્ષે જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો અને પરિવારજનો જેલમાં પહોંચી જાય છે. જેલમાં પણ આનંદનંુ વાતાવરણ સર્જાય છે. પરંતુ ભોપાલ જેલ પ્રશાસને કેદીઓના સગા-સંબંધીઓના ચહેરા પર જ ઓળખ માટે મહોર લગાવી દેતાં વિવાદ સર્જાયો હતો.
સૂત્રો મુજબ રક્ષાબંધનના પર્વ પર ભોપાલની સેન્ટ્રલ જેલમાં કેદીઓને પરિવારજનોને મળવા તેમજ રાખડી બાંધવા આવેલ સ્નેહીજનોના ચહેરા પર ઓળખ માટે મહોર લગાવી હતી. જેલમાં પરિવારને મળવા માટે ઓળખના ભાગરૂપે કેદીઓના હાથમાં નિશાન કરવામાં આવે છે. જેથી કેદી ભીડનો લાભ લઈ ફરાર ન થાય. પરંતુ ભોપાલમાં રક્ષાબંધનના દિવસે અમાનવીય રૂપે બાળકો અને યુવતીઓના ચહેરા પર જ નિશાન કર્યા હતા. માસુમ બાળકોના ચહેરા પર નિશાન જોઈને તેઓ બંધુઆ કે કોઈ વોન્ટેડ ગુનેગાર હોય તેવા દેખાતા હતા. ચહેરા પર નિશાન લગાવાતા પરિવારજનો રોષે ભરાયા હતા. પરંતુ તેઓ મજબૂર બની મૌન રહ્યા હતા. જો વિરોધ કરતા તો તેઓ તહેવારની ઉજવણી કરી શક્યા નહોત.
ચહેરા પર મહોર લગાવવાની ઘટનાને જેલ અધિકારીએ ખોટી ઠેરવી હતી. જેલ અધિકારીઓ મુજબ જેલના નિયમોમાં આમ કરવાની કોઈ જોગવાઈ નથી. એડીજી જેલ ગાજીરામ મીણાએ આ અંગે કહ્યું હતું કે, જેલમાં તહેવારના સમયે અત્યંત ભીડ હોય છે. જેથી તેમણે અંદર જવા માટે ઓળખનંુ ચિન્હ લગાવવાની પરંપરા છે.જે સામાન્ય રીતે હાથ પર લગાવવામાં આવે છે. પરંતુ આ અંગે જેલના નિયમોમાં કોઈ જોગવાઈ નથી. તેમજ ચહેરા પર પણ ચિન્હ લગાવવાની કોઈ પરંપરા નથી. જેલના અધિકારીઓના જણાવ્યા મુજબ મુલાકાતીઓના ચહેરા પર ઓળખનું કોઈ ચિન્હ લગાવવાની જોગવાઈ નથી. તો પછી ભોપાલ જેલમાં આ જોગવાઈ કેવી રીતે આવી ? આ અંગે શું ત્યાંના કર્મચારીઓ જરા પણ સંવેદનશીલ નથી ?