(એજન્સી) ભોપાલ, તા.૧૦
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંગ ચૌહાણના નિવાસસ્થાન આગળ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો યોજ્યા હતા. શિવરાજસિંગ ચૌહાણે કમલનાથ ‘‘કોન સે ખેત કી મૂલી હૈ’ તેવી ટિપ્પણી કરતાં કોંગ્રેસના કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હતો. કોંગ્રેસ કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પાસે કોંગ્રેસ કચેરીથી કૂચ લઈ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંગ ચૌહાણના નિવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્લેકાર્ડ દર્શાવ્યા હતા જેમાં શિવરાજને વહેલાં સાજા થઈ જાવ તેવું લખ્યું હતું. તેઓ શિવરાજને ફૂલ અર્પણ કરવા માંગતા હતા પરંતુ સતર્ક જવાનોએ કોંગ્રેસ કાર્યકરોને રોકયા હતા. કાર્યકરો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઝડપ થઈ હતી. પૂર્વ મુખ્યમંત્રીએ સાગર જિલ્લામાં યુરિયાની અછત અંગે દેખાવો દરમિયાન કહ્યું હતું કે, કોન સે ખેત કી મૂલી હૈ કમલનાથ ? જે ટિપ્પણી મુખ્યમંત્રી માટે અશોભનીય હતી.