(એજન્સી) ભોપાલ, તા.૧૧
મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના નિકટના લોકો સામે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ રાજ્ય સરકારની આર્થિક અપરાધ પાંખ (ઇઓડબ્લ્યુ)એ રૂપિયા ૩૦૦૦ કરોડ રૂપિયાના ઇ-ટેન્ડરિંગ કૌભાંડના સંદર્ભમાં ૮ કંપનીઓ, તેમના સંચાલકો સહિત ઘણા અજ્ઞાત નેતાઓ, પાંચ વિભાગોના અજ્ઞાત અમલદારો અને રાજકારણીઓ સામે બુધવારે છેતરપિંડી અને માહિતી ટેકનોલોજી અધિનિયમની ઘણી કલમો હેઠળ એફઆઇઆર નોંધી છે. ૨૦૧૮માં મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારના અંત દરમિયાન આ કૌભાંડ બહાર આવ્યું હતું. ઇઓડબલ્યુએ બુધવારે આ વાતનો ખુલાસો કર્યો છે કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી)નો રિપોર્ટ આવ્યા બાદ આઇપીસીની કલમ ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી અને ૬૬ આઇટી એક્ટ, ૭સી તેમ જ ૨૦૧૮ના ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમ ૧૩(૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઇઓડબલ્યુના નિર્દેશક કેએન તિવારીએ જણાવ્યું કે ઇ-ટેન્ડર કૌભાંડના સંદર્ભમાં અજ્ઞાત વ્યક્તિઓ અને ૮ કંપનીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે ક્હયું કે આરોપીઓએ ડિજિટલ સિગ્નેચર કી હાંસલ કરીને ટેન્ડરની બોલી એ કંપનીઓ મુજબ બદલી નાખી, જે કંપનીઓને તેઓ ફાયદા પહોંચાડવા માગતા હતા. જોકે બાદમાં બધા ટેન્ડર રદ કરી દેવામાં આવ્યા હતા. ઇઓડબ્લ્યુના મહાનિર્દેશક કેએન તિવારીએ જણાવ્યું હતું કે પીડબ્લ્યુડી, પીએચઇ, જળ સંસાધન વિભાગ, જલ નિગમ, પ્રોજેક્ટ અમલીકરણ એકમ અને રોડ ડેવલપમેન્ટ વિભાગ સહિત પાંચ વિભાગોના ૯ ટેન્ડરમાં ચેડા કરવામાં આવ્યા હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.
નોંધનીય છે કે કોંગ્રેસે પોતાના વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં ઇ-ટેન્ડર કૌભાંડની તપાસ અને દોષિતોેને સજા અપાવવાનું વચન આપ્યું હતું. આ મામલાની તપાસ ઇઓડબ્લ્યુ પાસે હતી. આ મામલામાં ઇઓડબ્લ્યુએ સીઇઆરટીની મદદ લીધી હતી. સીઇઆરટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે ઇ-ટેન્ડરિંગમાં ચેડા થયા છે. આ રિપોર્ટને આધારે ઇઓડબ્લ્યુએ પાંચ વિભાગો, ૮ કંપનીઓ અને અજ્ઞાત અધિકારીઓ તેમ જ રાજકારણીઓ સામે કેસ નોંધ્યો છે.