(એજન્સી) મુંબઈ, તા.૧૧
શિવસેનાએ ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું છે કે સત્તા પર આવવા માટે હિન્દુત્વની સીડીનો સહારો લીધો હતો. પરંતુ સત્તા મળ્યા બાદ તેને ફેંકી દીધી હતી. હિન્દુત્વને પીઠ પાછળ છૂરો ભોકવાનો ભાજપ પર આરોપ મૂકી શિવસેનાએ કહ્યું કે, ર૦૧૪માં હિન્દુઓને ભાજપે આપેલા ચૂંટણી વચનોમાંથી એક પણ વચન પૂરું કર્યું નથી. કોંગ્રેસે વર્ષો સુધી મુસ્લિમોની ખુશામત કરી. જ્યારે ભાજપે હિન્દુઓની ખુશામત કરી હવે તેમને બિનસાંપ્રદાયિક તરફવાળી રહી છે. તેમ શિવસેનાના મુખપત્રમાં તંત્રીલેખમાં જણાવાયું છે. ભાજપે એક પણ વચન પૂરું કર્યું નથી. પછી તે રામમંદિર બનાવવાની વાત કે સમાન નાગરિક ધારો. બંને ભાજપના આક્રમક એજન્ડામાં હતા. સત્તામાં આવ્યા બાદ તેને બાજુએ ધકેલી દેવાયા. શિવસેનાએ કહ્યું કે હવે ભાજપ બીજી કોંગ્રેસ બની રહી છે. દેશમાં કોંગ્રેસથી કોંગ્રસની યાત્રા શરૂ થઈ છે. શિવસેના ભાજપનો સાથી પક્ષ છે. સંઘ પ્રમુખ ભાગવતની ઝાટકણી કાઢતાં શિવસેનાએ કહ્યું કે હિન્દુઓને કોઈના પર પ્રભાવ જમાવવાની ઈચ્છા નથી તેવું ભાગવતે કહ્યું છે જે અપેક્ષિત હતું. હવે હિન્દુત્વની વાત કરનાર ભાજપના દુશ્મન મનાય છે. નકલી હિન્દુત્વવાદીઓ સત્તા પર છે. હિન્દુઓને ત્રાસવાદી ગણાવી તેમને દેશમાં જ ખતમ કરવાનો પ્રયાસ થાય છે. શિકાગોમાં જાહેર હિન્દુત્વની સભા મળી ત્યારે ભાજપને કેમ બોલાવાયો નહીં ? જ્યારે ભાજપ આક્રમક હિન્દુત્વની વાત કરે છે. વિશ્વ હિન્દુ કોંગ્રેસની બેઠકમાં શિવસેના જેવા હિન્દુત્વની રક્ષા કરનાર પક્ષને આમંત્રણ આપવું જોઈતું હતું. જ્યારે હિન્દુઓ એકઠા થવા માટે કહેવાય છે તો અસ્પૃશ્યતા કેમ રખાય છે ? જ્યારે હિન્દુત્વ નેપાળમાં સમાપ્ત થયું ત્યારે ભારતીય વડાપ્રધાન ચૂપ રહ્યા હતા. કાશ્મીરી પંડિતો સાથે દ્રોહ કરનાર મહેબૂબા મુફ્તી સાથે ભાજપે જોડાણ કર્યું હતું. ભાજપ કાશ્મીર માટે આક્રમકતા બતાવતું હતું ત્યારે હવે સંઘ પ્રમુખ ભાગવત તેની પ્રતિક્રિયા આપે.