(એજન્સી) મુંબઈ, તા.૨૦
બુધવારે શિવસેનાએ ગોવામાં સરકાર મુદ્દે ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થયેલ રાજનૈતિક નાટકની ભારે ટીકા કરતા તેને “લોકશાહીની દુર્દશા” ગણાવી હતી. શિવસેનાએ કહ્યું કે, ભાજપે સ્વર્ગસ્વ મુખ્યમંત્રી મનોહર પાર્રિકરના પાર્થિવ દેહની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈ અને “સત્તાની શરમજનક રમત” શરૂ કરી. શિવસેનાએ દાવો કર્યો કે, જો ભાજપે મંગળવાર સુધી રાહ જોઈ હોત, તો ગોવામાં તેની સરકાર પડી ગઈ હોત. બે નાયબ મુખ્યમંત્રીઓમાંથી એક કોંગ્રેસમાં સામેલ થઈ ગયા હોત અને તેને પોતાની પસંદગીનું પદ મળી ગયું હોત. સોમવારે મોડી રાત્રે ૪પ વર્ષીય સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પહેલાં ભાજપ અને તેના સહયોગી દળો વચ્ચે લાંબો વાર્તાલાપ થયો હતો. સહયોગીઓ સાથે વાતચીતમાં નક્કી કરાયું કે, સમર્થન આપનાર બંને નાના દળોના એક-એક ધારાસભ્યને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ બાદ જીએફપી પ્રમુખ વિજય સરદેસાઈ અને એમજીપી પ્રમુખ સુદિન ધાવલિકરે નાયબ મુખ્યમંત્રી તરીકે સાવંતની સાથે અડધી રાત્રે શપથગ્રહણ કર્યા હતા. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કહ્યું કે, પાર્રિકરની ચિત્તા બળી રહી હતી અને સત્તાના લોભી એક-બીજાની ગરદન પકડી રહ્યા હતા. ઓછામાં ઓછી ચાર કલાક રાહ જોવામાં કોઈ મુશ્કેલ ન હોવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, ગોવાવાસી આજે પણ શોકમાં છે. પૂર્વ રક્ષામંત્રીના નિધન બાદ એક દિવસીય રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ લોકોએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ હોવાનો પણ ખ્યાલ ન કર્યો. શિવસેનાએ દાવો કર્યો કે, ભાજપે ચાર વર્ષ પહેલાં દાવો કર્યો હતો કે, તેના શાસનવાળા કોઈ પણ રાજ્યમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં હોય, પરંતુ ત્યારબાદ બિહાર, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ગોવામાં નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા.
પાર્રિકરના શરીરની રાખ ઠંડી થવાની પણ રાહ ન જોઈ : ગોવામાં “રાજકીય નાટક” મુદ્દે શિવસેનાનો ભાજપ પર પ્રહાર

Recent Comments