(એજન્સી) તા.૯
શિવસેનાએ કહ્યું હતુું કે, જો ભાજપ ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બહુમત મેળવવામાં નિષ્ફળ જશે તો પ્રણવ મુખરજી સર્વસંમતિથી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. શિવસેનાએ તેના મુખ્યપત્ર સામનાના તંત્રી લેખમાં લખ્યું હતું કે, પ્રણવ મુખરજીને આમંત્રિત કરવા પાછળ સંઘની આ જ યોજના હશે. જે પણ એજન્ડા હશે તે ૨૦૧૯ની ચૂંટણી પછી સ્પષ્ટ થઈ જશે તે સમયે ભાજપને બહુમત નહીં મળે, દેશમાં વાતાવરણ પણ તે પ્રકારનું છે. આવા સંજોગોમાં ત્રિશંકુ લોકસભા બને અને અન્ય પક્ષો મોદીના સમર્થનમાં ન ઊભા રહે તો પ્રણવ મુખરજીને સર્વમાન્ય ઉમેદવાર તરીકે આગળ કરવામાં આવશે. સામનાનો આ લેખ સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખરજીની હાજરી પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સામનામાં લખ્યું છે સંઘે શિવસેનાના પૂર્વ પ્રમુખ બાલ ઠાકરેને કયારેય તેના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા નથી અને હવે મુસ્લિમોને ખુશ કરવા માટે તે ઈફતાર પાર્ટીઓ આયોજિત કરે છે.