(એજન્સી) તા.૨પ
ભાજપનો સાથી પક્ષ કહેવાતો શિવસેના હવે ભાજપ સાથે વધારે સમય નહીં જોડાઈ રહે તેવા સંકેતો મળી ગયા છે. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે કહ્યું હતું કે આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાના નથી અને તેઓ એકલા પણ લડી શકે છે. તેમણે કહ્યું કે જો વિપક્ષના મહાગઠબંધન તરફથી અમને આમંત્રણ આપવામાં આવશે કે મોદી વિરોધી ગઠબંધનમાં સામેલ થઈ જાઓ તો અમે તેને સ્વીકારવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમારી પાર્ટી ભાજપ વિરોધી મહાગઠબંધનમાં સામેલ થવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે તેના માટે અમને મહાગઠબંધન તરફથી સામેથી પ્રસ્તાવ મળવો જોઈએ. અને એ તો નક્કી જ વાત છે કે આ અંગે અમારી પાર્ટીના લીડર જ નક્કી કરશે કે અમારે શું કરવું ? શિવસેનાના સાંસદે કહ્યું કે આ પ્રકારના પ્રસ્તાવ પર કોઈપણ પ્રકારનો નિર્ણય પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે જ કરશે. જોકે હાલના સમયમાં અમે કોઈ મહાગઠબંધનમાં સામેલ થવાના નથી. મોદી સરકાર પર નિશાન તાકતાં તેમણે કહ્યું કે મોદી સરકાર તેના વાયદા પ્રમાણે અચ્છે દિન લાવવામાં નિષ્ફળ સાબિત થઈ છે અમે પણ હવે તેમને હરાવવા માગીએ છીએ અને તે માટે બધાની સાથે આવવા માગીએ છીએ. જ્યારે સાવંતને પ્રશ્ન કરાયો કે શું તમે મહાગઠબંધનમાં સામેલ થવા માગો છો અને મોદીનો વિરોધ કરવા તૈયાર છો તો તેમણે કહ્યું હતું કે હા અમારી પાર્ટી તરફથી આ ખુલ્લી ઓફર છે. અમને ફક્ત પ્રસ્તાવ કે આમંત્રણ મળવું જોઈએ. સાવંતની આ ટિપ્પણી પણ એવા સમયે આવી છે જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહમાં વિપક્ષી પાર્ટીઓના ટોચના નેતાઓએ એકસાથે મંચ પર હાજરી આપીને વિપક્ષની તાકાતનું શક્તિપ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા, માયાવતી, કેજરીવાલ, શરદ પવાર અને ચંદ્રબાબુ નાયડુ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં.