(એજન્સી) મુંબઇ, તા. ૨૬
શિવસેનાએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમની ઓક્સિજન જેવી સત્તાની ટિપ્પણી સામે આકરા પ્રહાર કરતા કહ્યું કે, જેઓ અચ્છે દિન લાવવામાં નિષ્ફળ રહ્યા છે તેઓ હવે વિપક્ષમાં બેઠેલાઓના વિચારો ઘૃણાસ્પદ લાગી રહ્યા છે અને સત્તાને ઓક્સિજન મળતું રહે તે માટે ચોરોને શુદ્ધ કરાય છે. પાર્ટીએ કહ્યું કે, કોમ્પ્યુટરો અને મોબાઇલની જાસૂસી કરવાનું સરકારનું પગલું સાચા લોકતંત્રના સંકેત નથી પરંતુ તેની સત્તામાં રહેવાની લાલસા છે. શિવસેનાએ કહ્યું કે, આજે અયોધ્યામાં ભગવાન રામ અને રાજનીતિમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી વનવાસમાં છે જ્યારે સત્તાના ઓક્સિજન પર બીજા જ લોકો જીવી રહ્યા છે.
કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી શિવસેનાએ કહ્યું કે, કોઇને બળજબરીથી વનવાસમાં મોકલવા શાસન માટે હાલની રાજનીતિ છે. વિપક્ષ પર નિશાન સાધતા સોમવારે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો માટે સત્તા ઓક્સિજન સમાન છે અને જો તેઓ તેનાથી બે અથવા પાંચ વર્ષ માટે દૂર થઇ જાય તો તેઓ બેચેન થઇ જાય છે. મરાઠી ભાષાના દૈનિક અખબારે ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે, જે લોકો સત્તામાં રહેવા છતાં અચ્છે દિન લાવવામાં નિષ્ફળ રહ્યા છે તેઓને હવે વિપક્ષમાં બેસવાનો ડર લાગે છે. અખબારમાં વધુમાં કહેવાયું કે, મોદી કહે છે કે, વાજપેયીએ પોતાનું મોટાભાગનું જીવન વિપક્ષમાં બેસીને વીતાવ્યુ છે પરંતુ ક્યારેય વિચલિત નહોતા થયા જ્યારે મોદી અનુસાર કેટલાક લોકો તેમના એકદમ વિપરિત છે. હવે સવાલ એ થાય છે કે, આ લોકો કોણ છે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે, સત્તાના ઓક્સિજન પર રહ્યા એ માટે ગુંડાઓ અને ચોરોને પવિત્ર કરવામાં આવે. ચૂંટણી જીતવા માટે ડાકુઓને વાલ્મિકી બનાવવામાં આવે. આખરે આ સત્તાની આતુરતા લાગે છે. પાર્ટીએ કહ્યું કે, સત્તા માટે શિવસેના સાથે હિંદુત્વના સિદ્ધાંત પર આધારિત ગઠબંધન ૨૦૧૪માં પણ તૂટ્યું હતું અને હિંદુત્વના ઓક્સિજનના સિલિન્ડરને લૂંટવામાં આવ્યું હતું. સામનાના તંત્રીલેખમાં જણાવ્યું કે, હવે જ્યારે લોકો પાસે હિંદુત્વના આ ઓક્સિજનના સિલિન્ડરની આયાત ઓછી કરવાનો સમય છે તો ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવે છે કે શિવસેના સાથે ગઠબંધન થશે.